- ભારતીયોમાં સ્ટુડન્ટ અમેરિકન વિઝાની જબરદસ્ત માંગ
- વિશ્વને આપેલા કુલ વિઝામાં દર 4 પૈકી એક વિઝા ભારતીય
- 2023માં ભારતીયોને આપવામાં આવેલા વિઝાનો આંકડો 10 લાખ પાર
અમેરિકામાં જૉબ કરવાનો કે અભ્યાસ કરવા માટે અમેરિકા જવાનો ક્રેઝ ભારતીયોમાં જબરો વધી રહ્યો છે. અમેરિકા દ્વારા વર્ષ 2023માં ભારતીયોને આપવામાં આવેલા વિઝાનો આંકડો 10 લાખને વટાવી ગયો છે. ભારતીયોમાં અમેરિકન વિઝાની અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાની જબરદસ્ત માંગ રહી છે. સોમવારે અમેરિકાનાં ભારત ખાતેનાં રાજદૂત એરિક ગાર્સેટી દિલ્હી ખાતેનાં યુએસ મિશન પહોંચ્યા હતા અને વિઝા આપવાની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિઝા મેળવવા માંગતા અરજદારોને મદદ કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતીયોને આપવામાં આવેલા વધુ વિઝા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. કોન્સ્યુલર ટીમ સાથે કામ કરીને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ભારતીયોમાં અમેરિકાનાં વિઝાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જે એના પરથી પુરવાર થાય છે કે જુલાઈ અને ઓગસ્ટ એમ બે મહિનામાં જ 90,000 ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે. અમેરિકાએ આખા વિશ્વને આપેલા કુલ વિઝામાં દર 4 પૈકી એક વિઝા ભારતીય વિદ્યાર્થીને આપ્યો છે.
એરિક ગાર્સેટીએ કહ્યું કે અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે પર્યટન વિઝા પર અમેરિકા જનાર લોકોનાં વિઝા ઈન્ટરવ્યૂમાં 50 ટકાનો ઘટાડો થયો છે. કદાચ વિઝા મળવામાં થતા વિલંબને કારણે આવું થયું છે.