અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર અમેરિકી સરકારની દેખરેખ વધી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત આવ્યા બાદ ઈમિગ્રેશનના નિયમો અને તેમના અમલીકરણને હવે વધુ કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ વિદ્યાર્થી ચોક્કસ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે. જો તમે હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
યોગ્ય વિઝા હોવા જરૂરી
અમેરિકામાં વિદ્યાર્થીને તેના અભ્યાસના આધારે વિઝા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પરંપરાગત શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને F-1 વિઝા આપવામાં આવે છે. જ્યારે M-1 વિઝા એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ વ્યાવસાયિક કાર્યક્રમોમાં પ્રવેશ લે છે. આવી સ્થિતિમાં જો કોઈ વિદ્યાર્થી કોઈ ભૂલ કરે છે તો તેના વિઝા રદ થઈ શકે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પાસે ફક્ત એક જ વિકલ્પ બચે છે અને તે છે અમેરિકા છોડવાનો.
આ નિયમો રાખો ધ્યાનમાં
- વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમની શરૂઆતના 30 દિવસ પહેલા જ યુએસ જઈ શકે છે.
- અમેરિકા પહોંચ્યા પછી વિદ્યાર્થીએ તેની યુનિવર્સિટીની જાણ ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ (DSO)ને કરવી જરૂરી છે. જો અભ્યાસ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો વિદ્યાર્થીએ ફક્ત DSOનો સંપર્ક કરવાનો રહેશે.
- જો કોઈ વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમનો સમયગાળો વધારવા માગતો હોય તો તેણે અભ્યાસક્રમ પૂર્ણ કરતા પહેલા DSOનો સંપર્ક કરવો જોઈએ.
- F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ ફક્ત ત્યારે જ કામ કરી શકે છે, જો તેમની પાસે યુનિવર્સિટીના DSO અથવા કેટલાક કિસ્સાઓમાં, USCIS (યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ)ની પરવાનગી હોય.
- કોર્ષ પૂર્ણ થયા પછી F-1 વિઝા પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 60 દિવસની અંદર અમેરિકા છોડવાનું રહેશે અને M-1 વિઝા પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 30 દિવસની અંદર અમેરિકા છોડવાનું રહેશે.
ભૂલથી પણ આ ભૂલો ન કરો
- વિઝા રદ કરવાનો નિર્ણય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (વોશિંગ્ટન ડીસી) અથવા કોઈપણ યુએસ કોન્સ્યુલેટ અધિકારી દ્વારા લઈ શકાય છે.
- નશામાં વાહન ચલાવવું
- ખોટા દસ્તાવેજો પૂરા પાડવા અથવા માહિતી છુપાવવી
- ઓવરસ્ટે
- જો વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ નબળો હોય અથવા તેની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી બાકી હોય તો પણ વિઝા રદ થઈ શકે છે.
- જો વિદ્યાર્થી પાસે તેના અભ્યાસ અને રહેવાના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પૈસા ન હોય, તો તેના વિઝા પણ રદ કરવામાં આવી શકે છે.


