માગશર વદ અગિયારશને `સફલા એકાદશી’ કહેવામાં આવે છે. તેના અધિષ્ઠાતા દેવ શ્રીનારાયણ છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાંની એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું પૂજન-અર્ચન કરવું જોઈએ. આ એકાદશીની વિધિ અન્ય એકાદશીઓ જેવી જ છે અને તેનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે. આ માસમાં ઉપલબ્ધ ફળફળાદિ વડે એકાદશીનું જે પૂજન કરે છે તે શ્રી પુરુષોત્તમ નારાયણને વધુ પ્રિય છે.
સર્પોમાં જેમ શેષનાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં અશ્વમેધ યજ્ઞનો અગ્રતાક્રમ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે. ભગવાન નારાયણની પૂજા નાળિયેર, લીંબુ, દાડમ, સોપારી વગેરે ફળો દ્વારા કરવી. આ એકાદશીના રોજ `દીપદાન’નો વિશેષ મહિમા છે.
સફલા એકાદશીની કથા શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવતા કહે છે.
ઘણાં વર્ષો પહેલાં `ચંપાવતી’ નામની નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો, તેનું નામ હતું માહિષ્મત. તેને ચાર પુત્રો હતા. સૌથી મોટો પુત્ર અતિ કામી હતો. આ વેશ્યાગામી અને વિષયાસક્ત પુત્ર ભક્તોનો દ્રોહ કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો. રાજાએ તેને રાજમહેલમાંથી રજા આપી દીધી હતી. તે જંગલમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો. રાત્રે લૂંટફાટ કરતો. ફળફળાદિ અને અભક્ષ્ય વસ્તુઓ ખાઈને જીવન વ્યતીત કરી રહ્યો હતો.
પિતાએ આ જયેષ્ઠ પુત્રનું નામ `લુંપક’ રાખ્યું હતું. લુંપકનો અર્થ થાય છે ચોર. લુંપક આશ્રમમાં રાતવાસો રહેતો હતો અને દિવસે અહીંતહીં રખડ્યા કરતો હતો. જંગલમાં પીપળાનું એક ઘેઘૂર વૃક્ષ હતું. શિયાળાની કડકડતી ઠંડી હતી. આ વૃક્ષતળે શિયાળાની એક રાત લુંપકે અનાયાસે જાગીને વ્યતીત કરી. જંગલમાંથી એકત્ર કરેલાં ફળ પીપળા પાસે મૂક્યાં અને કહ્યું કે, `હે પ્રભો! આ ફળ હું આપને સમર્પણ કરું છું. તત્કાલીન સમાજમાં વૃક્ષપૂજનનું ઘણું જ મહત્ત્વ હતું. જગતના તમામ જીવો માટે ઉપકારી અને હંમેશાં જાનફેસાની કરનાર સાચો અહિંસક આત્મા વૃક્ષ છે.’
`જે દે, તે દેવ’એ સૂત્રાનુસાર વૃક્ષ ખરેખર દેવ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ વૃક્ષ પ્રશસ્તિ કરતાં સ્વમુખે કહે છેઃ `અશ્વત્થ સર્વ વૃક્ષાણામ્’ અર્થાત્ વૃક્ષોમાં હું અશ્વત્થ (પીપળો) છું.
કોઈ સંતે ગાયું છે : `તરુવર સરવર સંત જન, ચોથા વરસત મેહ; પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.’
વૃક્ષો ફળ નથી ખાતાં, એનો આત્મા ઉપકારી છે. પોતાનાં ફળ પોતે ન ખાય, પણ બીજાને ખવડાવે છે. વૃક્ષો આપણને ત્યાગ, તપ અને તિતિક્ષાની ભાવના શીખવે છે. લુંપકે રાત્રિ જાગરણ કર્યું અને ફળ વડે પીપળાની પૂજા કરી. કહેવાય છે કે તેને અનાયાસે જ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું. આ આકસ્મિક વ્રતના પ્રભાવે તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું. પિતાએ પુત્રને મીઠો આવકાર આપ્યો. આ હતો સફળ એકાદશીના વ્રતનો પ્રભાવ. `સફલા’ એટલે સફળતા. પછી તો લુંપક રાજાએ વિદ્વાન બ્રાહ્મણની સલાહ અનુસાર વર્ષો સુધી (આજીવન) એકાદશીનું વ્રત કર્યું. ફળસ્વરૂપે લુંપકને ધર્મશીલ, શાંત, સંસ્કારી અને ઘરરખ્ખુ રાણીની પ્રાપ્તિ થઈ અને સદ્ગુણી પુત્રો પણ પ્રાપ્ત થયા. તેણે વાનપ્રસ્થાશ્રામ સ્વીકારી પુત્રને રાજગાદી સોંપી અને તે મોક્ષગતિને પામ્યો.