દાહોદના જામદરા ઢબુકા ગામના એક ખેતરમાં વિશાળ અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અજગર સામાન્ય નહોતો પરંતુ લગભગ 14 ફૂટ લાંબો અને અંદાજિત 40 કિલો વજન ધરાવતો મહાકાય અજગર હતો. આટલો મોટો અજગર જોવા મળતા ગ્રામજનોએ તાત્કાલિક વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય તેમજ તલાટી ચિરાગને જાણ કરી હતી.
રેસ્ક્યુ ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું
માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ સજ્જ થઈને ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ આ વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યા બાદ તેને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના સહી-સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. અજગર દૂર થતાં વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


