- સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે રાજ્યના DGPનું નિવેદન
- આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા
- રોહિત ગોદારા ગેંગએ હત્યાની જવાબદારી લીધી
રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે રાજ્યના DGP ઉમેશ મિશ્રાએ નિવેદન આપ્યું છે. DGPએ કહ્યું છે કે આજે જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી. હુમલાખોરોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
DGPએ વધુમાં જણાવ્યું કે અમે હરિયાણા DG સાથે પણ વાત કરી છે અને તેમની પાસે સહકાર આપવા માટે માંગ કરી છે. રોહિત ગોદારા ગેંગએ હત્યાની જવાબદારી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હત્યાકાંડ સર્જનાર આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.
સુખદેવ સિંહને શ્યામનગરમાં ગોળી મારવામાં આવી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. સુખદેવ સિંહને શ્યામનગરમાં ગોળી મારવામાં આવી હતી. કેટલાંક અજ્ઞાત યુવકો તેમના પર ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં સુખદેવ સિંહને બે થી ત્રણ ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે માનસરોવર ખાતે મેટ્રો માસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોકટરો સારવાર શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સમગ્ર ઘટનાના CCTV થયા વાયરલ
સુખદેવ સિંહ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર બદમાશોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હુમલા કર્યા બાદ બે બદમાશો બાઇક પર ફરાર થઈ ગયા હતા જ્યારે અન્ય બે બદમાશોએ સ્કૂટી ચાલકને ગોળી મારીને સ્કૂટી છીનવી લીધું હતું. સ્કૂટી સવાર નવીનને પણ ગોળી વાગી હતી. એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુખદેવ સિંહનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચાર પૈકી બે બદમાશો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. પોલીસ તેમને શોધી રહી છે.
અજીત સિંહ પર પણ હુમલો, ગંભીર રીતે ઘાયલ
સુખદેવ સિંહ પર ફાયરિંગ દરમિયાન ત્યાં હાજર અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી બાજુ ફાયરિંગની સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના તમામ મુખ્ય રસ્તાઓ પર નાકાબંદી કરી દેવામાં આવી છે અને CCTV ફૂટેઝ તપાસવામાં આવી રહ્યા છે.


