વિદેશી મહેમાનોની સુવિધામાં આવતા અવરોધો હટાવવાની કામગીરી પૂરજોશમાં
આગામી જાન્યુઆરીમાં રાજકોટમાં વડાપ્રધાનની હાજરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. તેની તૈયારીઓ કલેકટર સહિતના તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટથી લઇને મારવાડી કોલેજ સુધી રોડ-રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવાના આરે છે અને વડાપ્રધાન આવતા હોય રોડ-રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં તા.10, 11 અને 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની હાજરીમાં કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાનાર છે ત્યારે જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં દેશ-વિદેશના મહેમાનો આવનાર હોય ટ્રાફિક સહિતના પ્રશ્નો ન સર્જાય તે માટે હિરાસર એરપોર્ટથી વાઇબ્રન્ટ સ્થળ મોરબી રોડ સુધી બુલડોઝર એક્શન શરૂ કરી હાઇવે પરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જેમાં બે દિવસની મુદત બાદ કુવાડવાથી માલિયાસણ સુધીના દબાણોનો સફાયો કરી નખાયો હતો.
રાજકોટ-મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે આગામી તા.10થી 12 જાન્યુઆરીએ યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને લઇ તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. હાલમાં કોન્ફરન્સ સ્થળે ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે તેમજ વીજ કનેક્શન, ઇન્ટરનેટ સહિતની આનુસંગિક કાર્યવાહી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજીતરફ કોન્ફરન્સમાં દેશ-વિદેશથી મહેમાનો અને વડાપ્રધાન મોદી પણ આવનાર હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા હિરાસર એરપોર્ટથી કોન્ફરન્સ સ્થળ સુધી હાઈવેના દબાણો હટાવવા સૂચના અપાતા તાલુકા મામલતદારે અગાઉ 500 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરાવ્યા બાદ ફરી કુવાડવાથી માલિયાસણ ગામ સુધીના 100થી વધુ દબાણો હટાવાયા હતા.
હજુ પણ રૂટમાં આવતા દબાણોને નોટીસ મોકલી અને સ્વેચ્છાએ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે.


