સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર લઈ જતું સ્ટારલાઈનર સ્પેસ ક્રાફટ ધરતી પર આવી ચુક્યું છે. ભારતીય સમયાનુસાર સવારે આશરે 9.30 વાગ્યે સ્ટારલાઈનર સ્પેસ ક્રાફટને ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેંડ સ્પેસ હાર્બરમાં લેન્ડિંગ થયું. જો કે, આ સ્પેસ ક્રાફટથી સ્પેસ સ્ટેશન પર પહોંચેલા બંને અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને હવે ત્યાં જ રોકાવું પડશે, બંને નાસાના ક્રૂ 9નો હિસ્સો છે અને સ્પેસ એક્સના ડ્રેગન કેપસ્યૂલથી ફેબ્રુઆરી-2025 સુધી ધરતી પર પાછા આવશે.
સુનિતા સ્પેસથી ધરતી પર ક્યારે પરત ફરશે?
સ્ટારલાઈનર પાંચમી જૂને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયું હતું અને 13મી જૂને બંને અવકાશયાત્રીઓને પરત ધરતી પર આવવાનું હતું. આ સ્ટારલાઈનની પ્રથમ ટેસ્ટ ફલાઈટ હતી, પરંતુ થ્રસ્ટરમાં ખરાબી અને હીલિયમ લીકેજ થતા નક્કી સમય પર પરત ન આવી શકયા. આઠ દિવસના ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત આવવા લાંબી પ્રતીક્ષા કરવી પડશે. બંને અવકાશ યાત્રીઓને નાસાએ પોતાના ક્રૂ 9 મિશનનો હિસ્સો બનાવ્યો છે. જેને લીધે હવે બંને આવતા વર્ષે ફેબ્રુઆરી-2025 સુધી પરત ફરશે.
ક્રૂ 9 મિશનથી નાસા પહેલા ચાર અવકાશ યાત્રીઓને લોંચ કરવાનું હતું, પરંતુ કેટલાક દિવસો પહેલા જ નાસાએ આમાં ફેરબદલ કર્યાની જાણકારી આપતા જણાવ્યું કે સ્પેસએક્સના ડ્રેગન કેપસ્યૂલથી બે એસ્ટ્રોનાટ્સને લોંચ કરાશે અને સ્પેસ સ્ટેશન પર રહેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આનો હિસ્સો હશે. નાસાનું ક્રૂ 9 મિશન આ મહિનાના અંત સુધી લોંચ થવાનું છે.
આઠ દિવસનું મિશન આઠ મહિનામાં તબદિલ!
સુનિતા વિલિયમ્સનો જન્મ વર્ષ-1965માં અમેરિકામાં થયો હતો. તેના પિતા દીપક પંડયા ભારતીય હતા, જે વર્ષ-1958માં ગુજરાતથી અમેરિકા આવીને વસ્યા હતા. વર્ષ-1998માં નાસાએ સુનિતા વિલિયમ્સને એસ્ટ્રોનોટ તરીકે પસંદગી કરી ત્યારથી તે ઘણીવાર અવકાશ મિશન પર જઈ ચુકી છે.
સુનિતા વિલિયમ્સ આ અગાઉ વર્ષ-2006 અને 2012માં અવકાશ યાત્રા કરી ચુકી છે. નાસા અનુસાર અવકાશમાં તેને કુલ 322 દિવસ પસાર કર્યા છે. જો કે આ વર્ષે તેનું મિશન માત્ર આઠ દિવસનું હતું પરંતુ સ્ટારલાઈનરમાં આવેલી ક્ષતિએ તેના આઠ દિવસના મિશનને આઠ મહિનામાં તબદિલ કરી દીધું છે.


