કેનેડા સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે પોતાના રાજદૂત સંજય વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાથી પરત ફરેલા ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માએ કહ્યું કે, કેનેડાની કાયદો અને વ્યવસ્થામાં ખાલિસ્તાન સમર્થકો હાજર છે, તેઓની ઘૂસણખોરી ડિફેન્સ ફોર્સ અને સંસદમાં પણ છે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની ઘૂસણખોરી પર પ્રકાશ પાડતા સંજય વર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓનો (ખાલિસ્તાનીઓ) પ્રભાવ તેમને તેમના એજન્ડાને આગળ ધપાવવાની મંજૂરી આપે છે, જે ઘણીવાર ભારતની પ્રાદેશિક અખંડિતતા સાથે ચેડા કરે છે.
કેનેડાની સંસદમાં ઘણા ખાલિસ્તાની સમર્થકો સાંસદો
રાજદૂત સંજય વર્માએ કહ્યું કે, કેનેડાના ઘણા સાંસદો છે જેમણે જાહેરમાં ભારતની સાર્વભૌમત્વ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જો કે, મને આશા હતી કે તે વિભાજનકારી નિવેદનને સમર્થન આપવાને બદલે પ્રાદેશિક અખંડિતતાનું મહત્વ જાળવી રાખશે. જ્યારે પૂછવામાં આવ્યું કે, કેનેડિયન વહીવટી તંત્રે ખાલિસ્તાનીઓ સામે નિર્ણાયક પગલાં કેમ લીધા નથી, ત્યારે સંજય વર્માએ તેનું કારણ કેનેડિયન રાજકારણ અને તેના સ્થળાંતરિત સમુદાયોની જટિલ ગતિશીલતાને બતાવી.
કેનેડાના નેતાઓ ખાલિસ્તાન સમર્થકો પર નિર્ભર
કેનેડાથી પરત ફરેલા ભારતીય રાજદૂતે કહ્યું કે, મારા મતે કેનેડાની વિદેશ નીતિ મોટાભાગે આ વિદેશી સમુદાયો પાસેથી મળેલા સૂચનોથી પ્રભાવિત છે, જેઓ ત્યાંના મતદારો પણ છે. કેનેડાના રાજકારણીઓ ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે તેમના સમર્થન પર આધાર રાખે છે, તેથી જ વિદેશ નીતિમાં ભારત વિરોધી વિચારોનો સમાવેશ કરવામાં આવે છે.
ભારતીય લોકો આજીવિકા કમાવવા માટે કેનેડામાં શાંતિથી રહે છે
સંજય વર્માએ કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો તેમની હરકતોથી ધ્યાન આકર્ષિત કરે છે. તેઓ રાજકીય રીતે ચર્ચામાં રહે છે, જ્યારે ભારતીય સમુદાયના લોકો તેમની આજીવિકા કમાવવા માટે કેનેડામાં શાંતિથી રહે છે.
સંબંધોમાં કેવી રીતે તિરાડ પડી?
ઉલ્લેખનીય છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ત્યારે વણસી ગયા જ્યારે કેનેડાએ રાજદૂત સંજય વર્મા અને કેટલાક અન્ય ભારતીય રાજદ્વારીઓને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા સાથે જોડ્યા. જો કે, ભારતે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા.