- રાજ્યપાલોને અંતરાત્માને ઢંઢોળવા કોર્ટની સલાહ
- ગવર્નરોને આકરા શબ્દોમાં કહ્યું – તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી
- રાજ્ય સરકારો દ્વારા મંજૂર કરાયેલાં બિલો લટકાવતા
રાજ્ય સરકારો દ્વારા પાસ કરવામાં આવેલા બિલો લટકાવતા રાજ્યપાલો સામે સુપ્રીમ કોર્ટે સોમવારે તીખા તેવર દર્શાવ્યા હતા. સામાન્ય રીતે રાજ્ય વિધાનસભામાં પાસ કરવામાં આવેલા બિલો અંતિમ મંજૂરી અને સહી માટે જે તે રાજ્યનાં ગવર્નરોને મોકલવામાં આવે છે. રાજ્યનાં સીએમ તેમજ રાજ્યપાલ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ચાલતો હોય કે મતભેદો હોય તો રાજ્યપાલો આવા બિલો મંજૂર કરવાને બદલે તેને લટકાવતા હોય છે પરિણામે બિલનો અમલ કરી શકાતો નથી. સરવાળે જનતાને જ નુકસાન થાય છે. આથી આવા બિલો તાકીદે મંજૂર કરવા સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને તાકીદ કરી છે. કોર્ટે બિલો લટકાવવાને બદલે રાજ્યપાલોને પહેલા તેમનો અંતરાત્મા ઢંઢોળવાની અને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપી છે. કોર્ટે રાજ્યપાલોને સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નથી. મામલો કોર્ટ સુધી પહોંચે તે પહેલા જ રાજ્યોનાં બિલો મંજૂર કરવા કોર્ટે રાજ્યપાલોને ફરમાન કર્યું છે. પંજાબ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનાં કેસમાં સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચે ઉપર મુજબ ટિપ્પણી કરી હતી. CJI નાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે પંજાબ વિધાનસભાએ પાસ કરેલા બિલો પર રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા પગલાંનો અપડેટ કરેલો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 10મીએ હાથ ધરવાનું નક્કી કર્યું છે. કોર્ટે કેરળ અને તામિલનાડુનાં આવા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યપાલોના વલણની બેન્ચ દ્વારા આકરી ટીકા
પંજાબનાં રાજ્યપાલ વતી દલીલો કરતા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે રાજ્યપાલ દ્વારા તેમને મોકલવામાં આવેલા બિલો અંગે પગલાં લેવાયા છે. પંજાબ સરકાર દ્વારા ખોટી રીતે કેસ કરાયો છે ત્યારે સીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે, મામલો કોર્ટ સુધી પહોંચે તે પહેલા રાજ્યપાલોએ બિલો મંજૂર કરવા જોઈએ. રાજ્યપાલોએ આત્મનિરીક્ષણ કરીને અંતરાત્માને ઢંઢોળવાની જરૂર છે. તેઓ જાણતા હોવા જોઈએ કે તેઓ જનતાનાં ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. કોર્ટે પંજાબનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને કહ્યું હતું કે પંજાબ સરકારે મંજૂરી માટે મોકલેલા 7 બિલો પર તમે શું એક્શન લીધા તેની શુક્રવાર સુધીમાં કોર્ટને જાણ કરો. મામલો કોર્ટમાં જાય ત્યાં સુધી બિલો લટકાવી રાખવા તે યોગ્ય નથી. રાજ્યપાલોએ મામલો કોર્ટમાં જાય તે પછી જ કામ કરવાનું શરૂ કરવું જોઈએ નહીં. વિવાદ વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.
મામલો શું છે ?
પંજાબનાં રાજ્યપાલ બનવારીલાલ અને સીએમ ભગવંત માન વચ્ચે કેટલાક મુદ્દે ટકરાવ ચાલી રહ્યો છે. ગવર્નર દ્વારા ભગવંત માન સરકારે મોકલેલા 7 બિલ પૈકી કેટલાક બિલો 1 નવેમ્બરે મંજૂર કરાયા હતા. તેમણે તમામ બિલની ગુણદોષનાં આધારે તપાસ કરવાનું કહ્યું હતું. આ અગાઉ 19 ઓક્ટોબરે રાજ્યપાલે પત્ર લખીને 3 બિલોને મંજૂરી આપવા ઈનકાર કર્યો હતો. જો કે પછીથી પંજાબ માલ અને સેવા કર સુધારા બિલ 2023 તેમજ ભારતીય સ્ટેમ્પ પંજાબ સુધારા બિલ 2023ને મંજૂરી આપી હતી.