- આરીફ કુરેશીની સરાજાહેર કરાઈ હતી હત્યા
- કુખ્યાત ફારૂક મુલ્લાના બે હત્યારા પુત્રો ઝડપાયા
- ફૈઝ મુલ્લા, તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈની પોલીસે કરી ધરપકડ
સુરતમાં ગઈકાલે બિલ્ડરની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. શહેરના બિલ્ડર આરીફ કુરેશીની રસ્તા વચ્ચે બે લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ બંને આરોપીઓની અઠવાલાઈન્સ પોલીસે ધરપકડ કરી લીધી છે અને બંને આરોપી કુખ્યાત ફારૂક મુલ્લા ઉર્ફે તલ્લોઈના પુત્રો છે.
આરીફ કુરેશીની સરાજાહેર કરાઈ હતી હત્યા
પોલીસે ફૈઝ મુલ્લા અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે શહેરમાં સ્પર્શ પ્રોજેક્ટ વિવાદને લઈને ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં આરોપીઓએ જાહેરમાં સળીયાના ફટકા મારીની બિલ્ડરની ક્રૂરતા પૂર્વકની હત્યા નીપજાવી હતી.
હુમલાખોરોએ પાછળથી ચાલુ મોપેડે માથામાં સળીયો માર્યો
બિલ્ડર આરીફ કુરેશી ઉપર એટલો ઝનૂની હુમલો હતો કે તેની ખોપરી ફાટી ગઈ હતી. જણાવી દઈએ કે ગઈકાલે બિલ્ડર આરીફ મસ્જિદમાંથી બહાર આવતા જ આ બંને લોકોએ તેને પતાવી દીધો હતો. હુમલાખોરોએ પાછળથી ચાલુ મોપેડે માથામાં સળીયો માર્યો હતો.
વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરીફ ખુરેશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બિલ્ડર આરીફ ખુરેશી સતત વિવાદોમાં ચાલી રહ્યો હતો, વર્ષ 2020માં મૃતક બિલ્ડર આરીફ ખુરેશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સુસાઈડ નોટ લખી પોતાની ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવીને તમામને દોડતા કરી નાખ્યા હતા, જમીન દલાલીથી શરૂઆત કરનારો આરીફ ધીમે ધીમે બન્યો હતો બિલ્ડર અને ત્યારબાદથી આરીફના જીવનમાં આવ્યા હતા અનેક ભાઈગીરી કરનારા ટપોરીઓ, જેમાં માથાભારે સાજુ કોઠારીનો પણ સમાવેશ થાય છે.
હત્યાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર
ગઈકાલે ઘટના સ્થળેથી પોલીસે ડીવીઆર કબ્જે લઈ લીધા હતા અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. ત્યારે હવે પોલીસે બિલ્ડરના બંને હત્યારાને ઝડપી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે હત્યારાઓ જાહેરમાં હુમલો કરીને હત્યા કરી ભાગી છુટ્યા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.


