- કેનેડામાં તળાવમાં ડૂબી જતા ગુજરાતીનું મોત
- વતનમાં મૃતક જશ પટેલના અંતિમ સંસ્કાર કરાયા
- તળાવમાં જશ પટેલ મિત્રો સાથે ગયો હતો ન્હાવા
દેશના યુવાનોને વિદેશમાં અભ્યાસ કરવાની અને ત્યાં સ્થાયી થવાની મોટા પ્રમાણમાં ઈચ્છા હોય છે અને તેમના પરિવારજનો પણ ખુશી ખુશી દિકરા-દિકરીના સારા ભવિષ્ય માટે તેમને ત્યાં અભ્યાસ કરવા માટે મોકલતા હોય છે પણ ત્યાં પોતાનું ધ્યાન રાખવુ પણ ખુબ જ જરૂરી હોય છે. ઘણી વખત ધ્યાન રાખવામાં ના આવે તો મોતને વ્હાલુ થવુ પડે છે.
જશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયો હતો કેનેડા
આજ પ્રકારનો એક કિસ્સો કેનેડામાંથી સામે આવ્યો છે. સુરતના કામરેજ તાલુકાના એક પટેલ પરિવારનો જશ પટેલ નામનો યુવક ફલેમિંગો નામની કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો અને થોડા દિવસ પહેલા જ તે કેનેડાના પીટરબોરો ખાતે આવેલા તળાવમાં પોતાના મિત્રો સાથે ન્હાવા ગયો હતો. જો કે ઉંડા પાણીમાં ડૂબી જતાં જશ પટેલ મોતને ભેટ્યો હતો.
યુવકનો મૃતદેહ વતનમાં લાવવામાં આવ્યો
ત્યારે જુવાનજોધ દીકરાનું પરદેશમાં મોત થયું હોવાના સમાચાર સાંભળીને સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ડૂબી ગયો હતો. ત્યારે આજે કામરેજના માંકના ગામના જશ પટેલ નામના યુવકનો મૃતદેહ વતનમાં લાવવામાં આવ્યો છે અને હિન્દુ રીત રિવાજ મુજબ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જશ પટેલની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અમેરિકામાં પણ ભારતીય યુવકનું સરોવરમાં ડૂબી જતા થયું મોત
કેલિફોર્નિયામાં કામ કરી રહેલો એક ભારતીય યુવક અમેરિકાના મોન્ટાના ખાતે આવેલા ગ્લેશિયર નેશનલ પાર્કમાં આવેલા સરોવરમાં ડૂબી ગયો છે. 26 વર્ષનો યુવક મિત્રો સાથે રજા ગાળવા પાર્કમાં ગયો હતો. યુવકનો મૃતદેહ હજી મળી શક્યો નથી. પોલીસ મૃતદેહને શોધી રહી છે. પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય યુવકની ઓળખ સિદ્ધાંત વિઠ્ઠલ પાટિલ તરીકે થઈ છે. 6 જૂનના રોજ પાટિલ એવલોન્ચ સરોવર ખીણ પ્રદેશની ટ્રેક પર ફરી રહ્યો હતો. એક મોટી શિલા પરથી તે એવલોન્ચ ક્રીકમાં પડી જતાં તેના મિત્રો મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. મિત્રોએ પાટિલનાને ડૂબતાં અને પાણીના વહેણમાંથી ઉપર ઊઠતા પણ જોયો હતો. પાર્ક અધિકારીઓનું કહેવું છે કે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે પાટિલનો પગ લપસી પડતાં કે સંતુલન ગુમાવી દેતાં તે સરોવરમાં પડી ગયો હતો.
ડ્રોનથી તપાસ કરવા છતાં પણ મૃતદેહ શોધવામાં સફળતા ના મળી
અધિકારીઓએ કહ્યું કે હેલિકોપ્ટરથી તપાસ કરવામાં આવી, પરંતુ મૃતદેહ મેળવવામાં સફળતા મળી નથી. અધિકારીઓનું કહેવું છે કે પાટિલનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ મૃતદેહ ક્યાંક ફસાઈ ગયો છે. યુવકનો મૃતદેહ શિલાઓ અને વૃક્ષોની નીચે દબાઈ ગયો હોવો જોઈએ. મૃતદેહની શોધ સતત ચાલી રહી હતી. ખીણ પ્રદેશમાં પાણીના જોશીલા વહેણને કારણે મૃતદેહની શોધ મુશ્કેલ બની રહી છે. ડ્રોનથી તપાસ થતાં પણ મૃતદેહ શોધવામાં સફળતા નથી મળી.


