- જી-7 રાષ્ટ્રોએ રશિયન હીરા પર પ્રતિબંધ મૂકતા તેમાં વેપાર ઘટયો હતો
- બેલ્જિયમની બેન્કમાંથી રશિયાને નાણાંની ચૂકવણીથી હીરા ઉદ્યોગકારોને લાભ
- બેલ્જીયમ સરકાર દ્વારા રશિયન હીરાપર પ્રતિબંધ નહીં મુકવાનો નિર્ણય યોગ્ય ગણાશે
જી-7 દેશોએ રશિયનહીરા માઇનીંગ કંપની પર પ્રતિબંધ મુકયો હોવાના કારણે ભારતની હીરાકંપનીઓ દ્વારા ખરીદવમાં આવતા રફ હીરાના નાંણાની ચુકવણી કરવામાં સમસ્યા સર્જાય છે. જો બેલ્જીયમની બેંકો દ્વારા આ ચુકવણી કરવામાં આવે તો બેલ્જીયમ સરકાર દ્વારા રશિયન હીરાપર પ્રતિબંધ નહીં મુકવાનો નિર્ણય યોગ્ય ગણાશે. કારણ કે પહેલા રશિયન હીરાની કંપનીમાં સુરતમાં 30થી 35 ટકાની આસપાસ રફ હીરા આવતા હતા. તેના બદલે હાલમાં માંડ 3થી 4 ટકા જ હીરા આવી રહ્યા છે. તેની અસર સમગ્ર હીરા ઉદ્યોગ પર વર્તાઇ રહી છે.
યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે રશિયન હીરા કંપની અલરોસામાંથી નીકળતા રફ હીરાપર જી-7 દેશમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેની સૌથી વધુ અસર સુરતના હીરા ઉદ્યોગકારો પર થઇ છે. તેનુ કારણ એવુ છે કે યુધ્ધ પહેલા રશિયન હીરા કંપનીમાંથી સુરત ખાતે 30થી 35 ટકા હીરાની રફ આવતી હતી. તેમજ તેની ચુકવણી પણ સરળતાથી થતી હતી. પરંતુ યુધ્ધ બાદ પરિસ્થિતી બદલાઇ ગઇ છે. રશિયન હીરા કંપનીમાંથી આવતી હીરાની રફ વાયા બેલ્જીયમ અને દુબઇ- હોંગકોંગ થઇને આવી રહી છે. આ દેશ મારફતે આવતી રફ 3થી 4 ટકા મોંઘી પણ આવી રહી છે. તેમજ નાંણાની ચુકવણી કરવામાં પણ હીરા ઉદ્યોગકારોને તકલીફ પડી રહી છે. જેથી નાંણાની ચુકવણીમાં સરળતા નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતી સુધરવાની શકયતા નહીવત છે.
કેટલાક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, બેલ્જીયમ સરકાર દ્વારા રશિયન હીરા પર પ્રતિબંધ નહીં મુકવાનો નિર્ણય કરવામાં આવે તેનાથી સુરતના હીરા ઉદ્યોગકારોને એટલો ફાયદો થવાનો નથી. કારણ કે ત્યાંની બેંક દ્વારા જ્યાં સુધી નાંણા ચુકવણી કરવાની વ્યવસ્થા સરળ નહીં બનાવે ત્યાં સુધી હીરાનો વેપાર પહેલાની માફક થવાની શકયતા નથી. જેથી બેંક દ્વારા કરવામાં આવતી ચુકવણી સરળ અને ઝડપી થાય તે માટેના પહેલા પ્રયાસ કરવા જોઇએ.


