- 17 વર્ષની સગીરા પર શાળાના શિક્ષકે જ નજર બગાડી
- હવસખોર શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચરતો
- પોલીસે શિક્ષક વિરૂદ્ધ પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરી જેલના સળિયા ગણતો કરી દીધો
ગુરુ વિના જ્ઞાન નહીં એવું આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યુ છે. પરંતુ સુરત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જે ઘટનામાં ગુરુ જ હેવાન બન્યો છે. સમગ્ર ઘટના કંઈક એવી છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલી એક સરકારી શાળામાં વર્ષ 2021માં ધોરણ 10માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પર શાળાના શિક્ષકે જ નજર બગાડી હતી.
પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
સગીર વયની વિદ્યાર્થિની જ્યારે શાળા કે ટ્યુશને જાય ત્યારે હવસખોર શિક્ષક વિપુલ નનુભાઈ વસોયા રસ્તા પર રોકી તેના ઘરે લઈ જઈને પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે શિક્ષકની કરતૂતથી ધ્રુજી ગયેલી વિદ્યાર્થીનીએ શરૂઆતમાં કોઈને જાણ ન કરતા હવસખોર શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચરતો રહ્યો હતો.
શિક્ષક ધમકીઓ આપી સબંધ બાંધવા દબાણ ઉભુ કરતો
શિક્ષકની કરતૂતની જાણ સગીરાની માતાને થતાં તેઓએ હવસખોર શિક્ષકથી પીછો છોડાવવા તેના મામાના ઘરે સુરત મોકલી આપી હતી. શિક્ષકના કૃત્યથી સગીરાને અમરેલી જીલ્લાથી 400 km દુર મોકલી છતાં શિક્ષક યેનકેન પ્રકારે સગીરાનો સંપર્ક કરી ધમકીઓ આપી સબંધ બાંધવા દબાણ ઉભુ કરતો અને કામરેજ તાલુકાના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને અવાર નવાર ફરી દુષ્કર્મ આચરતા હતો અને હવસખોર શિક્ષકથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના મામાને શિક્ષકના કૃત્યની જાણ કરતા સગીરાના મામા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો દાખલ કરી જેલના સળિયા ગણતો કરી દીધો
ફરિયાદના આધારે કામરેજ પોલીસે શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય કરનાર હવસખોર શિક્ષક વિપુલ નનુભાઈ વસોયાને દબોચી લીધો હતો અને તેની વિરૂદ્ધ પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. અન્ય કોઈ આ પ્રકારની હિંમત ન કરે તે માટે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એ જરૂરી બન્યું છે.


