- ઉધનાના બુટલેગરે દારૂ સંતાડવા નકલી સ્વીચબોર્ડનો સહારો લીધો
- પોલીસને 5 ચોરખાના મળી આવ્યા
- એ.સી.ના ડમી આઉટડોર પાછળ પણ ગુપ્તખાનું બનાવ્યું હતુ
સુરતના ઉધના વિસ્તારના ભગવતી નગરના કુખ્યાત બુટલેગર પંકજ ધનસુખ રાણાએ દારૂ સંતાડવા માટે આખા ઘરને ચોરખાનામાં પરિવર્તિત કરી નાખ્યુ હતુ. કબાટ, બેઝિનની બાજુમાં તો દારૂ સંતાડ્યો હતો, પરંતુ નકલી સ્વીચ બોર્ડ અને છતની ઉપર એ.સી.નું ડમી આઉટડોર મૂકી તેની પાછળ ગુપ્તખાનુ બનાવી જંગી દારૂ સંતાડયો હતો. પોલીસે અહીંથી 66,300ની કિંમતની 487 બોટલ કબજે કરી હતી.
ઘરમાં જ ચોરખાના બનાવી દારુ છુપાવ્યો
ઉધના પોલીસ પંકજ રાણા (ઉ.વ.45)ના ઘરે ત્રાટકી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ રીઢા બુટલેગરે ઘરમાં જ ચોરખાનું બનાવી દારૂની બોટલો સંતાડી છે. પોલીસે ઘરમાં જેમ જેમ ચેક કરતી ગઈ તેમ તેમ આખા ઘરમાં ચોરખાના મળતા ગયા હતા. બુટલેગરે લોખંડના કબાટ પાછળ દિવાલ બનાવી દારુ સંતાડ્યો હતો તો રસોડામાં પણ બેઝિન પાછળ ખાલી જગ્યા બનાવી તેમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
એ.સી.નું નકલી આઉટડોર જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી
વધુ તપાસ કરવામાં આવતા પોલીસને ડમી સ્વીચબોર્ડની પાછળ પણ ચોરખાનું મળી આવ્યું હતું. એટલું જ નહીં છત ઉપર એ.સી.નું નકલી આઉટડોર પોલીસને જોવા મળ્યું હતું. આશ્ચર્યજનક રીતે આઉટડોરને કોઈ વાયરિંગ જ ન હતું. માત્ર દેખાડા ખાતર મૂકેલું આ આઉટડોર ખસેડતા પાછળ મોટી જગ્યા જોવા મળી હતી. જેમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળોએ પોલીસના દરોડા
સુરેન્દ્રનગરના ચોટીલા નગર, ગ્રામ્યના નાની મોલડી, સુરેન્દ્રનગરમાં બે સ્થળે, થાન તથા ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં 8 આરોપી મોબાઈલ, બાઈક અને દારૂ સહિત રૂપિયા 88,250ની મત્તા સાથે ઝડપાયા છે. જ્યારે વોન્ટેડ 3ને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોટીલા પોલીસે ખુશીનગરના મકાનમાં રેડ કરી હતી. જેમાં મકાનના ઉપરના માળે રૂમમાંથી વિદેશી દારૂની 33 બોટલ જેની કિંમત રૂપિયા 9,800, બીયરના 26 ટીન કિંમત રૂપિયા 2600 સહિત કુલ રૂપિયા 14,400નો મુદ્દામાલ ઝડપાયો હતો.


