- જુગાર રમવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ
- બંબાવાડી વિસ્તારમાં એચ.એસ.માર્કેટિંગના નામથી જુગાર રમાડતો હતો
- ભગવાનના યંત્ર,ધાતુના સિક્કા અને મશીન કરાયુ જપ્ત
કતારગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચ.એસ. માર્કેટીંગ પ્રા.લિ.ની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રના નામે ઓનલાઇન જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પીસીબીના સ્ટાફે 18મી તારીખે રાત્રે રેડ કરી હતી અને 10 જુગારીને પકડી પાડ્યા હતા. અગાઉ વરાછામાં પણ આવો જુગાર પકડાયો હતો. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, યંત્રના મશીન, યંત્રના કાર્ડ, કોમ્પ્યુટર, સ્કેનર, સિક્કાનું મશીન અને બાઇક સહિત 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દુકાનમાં વાસ્તુયંત્ર વેચાણના નામે દર 5 મિનિટે લક્કી ડ્રો નામે ઓનલાઇન જુગાર ચાલતો હતો. જુગાર રમાડવા 2 ઓપરેટર રાખેલા હતા.મુખ્ય સંચાલક બોટાદના વતની સહદેવસિંહ અને યુવરાજ હાલ પોલીસ ચોપડે ફરાર છે.
કાપોદ્રામાં પણ ભગવાનના યંત્રથી ચાલતો હતો જુગાર
કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં એચ.એસ. માર્કેટીંગ પ્રા. લિ. નામની ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમાડતી ક્લબ ઝડપી પાડી ક્લબનું હેન્ડલીંગ કરનાર બે અને યંત્ર ઉપર દાવ લગાવી નસીબ અજમાવવા આવનાર 22 જુગારી સહિત 24 ની ધરપકડ કરી રોકડ, કાર્ડ સ્કેનર, કોઇન મશીન તથા ધાર્મિક યંત્રના કાર્ડ સહિત કુલ 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં યંત્ર ઉપર દાવ લગાવી જીતનારને નવ ગણા રૂપિયા આપવામાં આવતા હતા.

કઈ રીતે રૂપિયાની થતી હતી ચૂકવણી
ધાર્મિક યંત્ર આધારિત જુગાર રમાડવાના નવા કિમીયા અંગે પોલીસે પંકજ સોલંકી અને સુરેશ સોલંકીની પૂછપરછ કરી હતી. બંનેએ જણાવ્યું હતું કે ગ્રાહકે યંત્ર પસંદ કરવાનું હોય છે અને યંત્ર પસંદ કર્યા પછી રૂ. 11 લગાવે તો શ્રી યંત્રના ચિત્ર ઉપર 1 લખી તેમની પાસે રહેલો કાર્ડ સ્કેન કરી ગ્રાહકને આપી દેતા હતા. દર પાંચ મિનીટ પછી મશીનથી કોઇ એક યંત્ર સિલેક્ટ કરવામાં આવે છે. સિલેક્ટ થયેલા યંત્ર ઉપર નસીબ અજમાવનાર વિજેતા થાય છે અને તેને લગાવેલી રકમના 9 ગણા રોકડા રૂપિયા આપવામાં આવતા હતા. જયારે હારી જનાર પાસેથી યંત્ર પરત લઇ લેવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી આ જ રીતે જુગાર રમાડતા હતા.


