ઉધનાના મોરારજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી મોતને થા ઉતારી દીધા હતા. હત્યાના આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીને પકડી પાડયા હતા. મળતી વિગતો પ્રમાણે ઉધનામાં મોરારજી વસાહતમાં અશોક સમ્રાટનગરમાં રહેતા મનિષાબેન ધનરાજ તાયડે (ઉ.વ.૧૮, મુળ જલગાંવ) મજૂરી કામ કરે છે.
દોઢ વર્ષ જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
દોઢ વર્ષ પહેલાં તેના ભાઇ વિક્કી ઉર્ફે લક્કીનો કરણ વાઘ સાથે કોઇક બાબતે ઝઘડો થયો હતો. જે મુદ્દે વિક્કીના વિરૂદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઇ હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલું છે. જેની અદાવત રાખી ગત રાત્રે કરણ તેના મિત્રો યોગેશ, રાજ અને રાજવીર સાથે મળી વિક્કીને મારવા તેના ઘર પાસે પહોંચ્યો હતો. જેની ભનક આવી જતા વિક્કી ભાગી છૂટયો હતો. બીજી તરફ મહોલ્લામાં બૂમાબૂમ થતા મનિષા અને તેના માતા-પિતા બહાર જોવા ગયા હતા.
સુરતના સમ્રાટ નગરમાં રહે છે આરોપીઓ
તે વખતે કરણ આણી મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાને કારણે ૬૦ વર્ષીય ધનરાજભાઈનું મોત થયું હતુ. ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાળે, કરણ ઉર્ફે દિપક ગણેશ વાઘ, વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ અને રાજવીર સંજય નગરાળે (તમામ રહે-અશોક સમ્રાટનગર, મોરારજી વસાહત, ઉધના)ને પકડી પાડયા હતા.


