- અંતરોલીના ભૂરી ફળિયામાં બે રાઉન્ડ ફાયરિંગ
- કડોદરા પોલીસને બુટલેગરોનો સીધો પડકાર
- બુટલેગર ઈશ્વરની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરી અને અપરાધોનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચોરી લૂટફાટના દ્રશ્યોની સામે સામે હવે ગેંગવોરના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે બે રીઢા બુટલેગરો વચ્ચે થયેલ ગેંગવોરને લઈને ચકચાર મચી ગઈ છે.
સુરતના અંતરોલી ગામના ભૂરી ફળિયામાં બે કુખ્યાત ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી અને બે રાઉન્ડ ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ હતી. બુલટેગર ગેંગ દ્વારા જાણે કે કડોદરા પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવતો હોય તેમ બંને ગેંગ દ્વારા ફિલ્મી ઢબે સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કડોદરા પોલીસમાં બે લિસ્ટેડ બુટલેગરો ઈશ્વર વાંસફોડીયા અને બુટલેગર દુરગેશના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બુટલેગર ઈશ્વર વાંસફોડીયાની કાર પર બુટલેગર દુરગેશ,પરવીન સહિત અન્ય લોકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
બુટલેગર દુરગેશ,પરવીન પણ સુરત શહેરમાં પોલીસમાં લિસ્ટેડ બુટલેગર છે. દારૂના ધંધામાં વર્ચસ્વની લડાઈમાં ફાયરિંગ થવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, બુટલેગર ઈશ્વર વાંસફોડીયા છેલ્લા કેટલાય સમયથી જેલમાં બંધ હતો અને તાજેતરમાં જ પેરોલ પર બહાર આવ્યો છે. તો બીજી બાજુ, બુટલેગર દુર્ગેશ હત્યાના કેસમાં જામીન પર છૂટીને છેલ્લા કેટલાય સમયથી બહાર હતો. અને બુટલેગર ઈશ્વર વાંસફોડીયા સામે પ્લાનિંગ કરી રહ્યો હતો તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે. તો સમગ્ર મામલે, કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


