દક્ષિણ ગુજરાતની પાવન ધરા પર આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ઉદ્યોગ શક્તિના અદભૂત સંગમ સમાન ‘રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે આગામી 25થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ મેળાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે.
રાજકીય અને સામાજિક માંધાતાઓનું થશે આગમન
રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 માત્ર ગુજરાત પૂરતો સીમિત ન રહેતા રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ બનાવશે. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના 4 કેબિનેટ મંત્રીઓ, 5 રાજ્યોના ટ્રાઈબલ મિનિસ્ટર્સ તેમજ સમગ્ર દેશના આદિવાસી ધારાસભ્યો અને અગ્રણી વક્તાઓ હાજર રહેશે. આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ મેળો વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને નવી ઉંચાઈ પર લઈ જશે.
મેળાના મુખ્ય આકર્ષણો
રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025માં ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે આદિવાસી યુવાનોના રોજગાર અને કૌશલ્યને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન હસ્તકલા અને પરંપરાગત વાનગીઓના કુલ 400 જેટલા સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ચાર દિવસીય આ મહોત્સવમાં દરરોજ રાત્રે આદિવાસી વારસાને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
લાખોની જનમેદની ઉમટવાની શક્યતા
રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025માં આદિવાસી કળા-કૌશલ્યને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વેપારની નવી તકો ઊભી કરવાનો લક્ષ્યાંક છે. ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મુલાકાત લેશે તેવી ધારણા છે. આ આયોજન આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે એક મહત્વનું કદમ સાબિત થશે. આ મેળો આધુનિક યુગમાં આદિવાસી પરંપરાને જીવંત રાખવાની સાથે યુવા પેઢીને ઉદ્યોગ ક્ષેત્રે જોડવાનું સબળ માધ્યમ બનશે.


