- દેવાદાર બનતા છાપવા લાગ્યો 100 રૂપિયાની નકલી નોટો
- યુટ્યુબમાં વીડિયો જોઈ છાપતો હતો નકલી ચલણી નોટો
- દરરોજ 100ના દરની 1500 રૂપિયાની નોટો છાપતો
સુરતની ઓલપાડ પોલીસે નકલી નોટો છાપતા ઈસમની ધરપકડ કરી છે. ઓલપાડ પોલીસે અલ્તાફ દીવાનને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો છે. આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ પોલીસની મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઈસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલુ છે.
આરોપી પાસે રહેલી બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100ના દરની 97 નોટો મળી આવી
તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઈને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી, બાતમીના આધારે વોચમાં રહેલી ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઈસમ આવતા જ તેને દબોચી લીધો હતો અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ અલ્તાફ અહેમદ દીવાન હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100ના દરની 97 નોટો મળી આવી હતી, જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટીફિક ઓફિસરની મદદ લેવાઈ હતી. જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ પોલીસે નકલી નોટો,મોબાઈલ,બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેવું થઈ જતા નકલી નોટ છાપવાનો આવ્યો આઈડિયા
આરોપીની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપી અલ્તાફ દીવાનના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી અલ્તાફ દિવાનની પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, આરોપી થોડા સમય પહેલા જ જામનગરથી કામ અર્થે સુરતના ઓલપાડ ખાતે રહેવા માટે આવ્યો હતો, અલ્તાફ દીવાન પરિવાર સાથે ઓલપાડ વિસ્તારમાં રહે છે અને તે દરજી કામ સાથે જોડાયેલો છે, અલ્તાફ દીવાનને દેવું થઈ ગયું હતું, બેંકમાં હપ્તા ભરવા માટે અલ્તાફ પાસે પૈસા ન હતા, આવા સમયે અલ્તાફને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો અને તે ઘરમાં જ પ્રિન્ટરમાં 100ના દરની નકલી નોટો છાપવા લાગ્યો હતો.
યૂટ્યુબ પર વીડિયો જોઈ નકલી નોટ બનાવતા શીખ્યો
આરોપી અલ્તાફ પાસે નકલી નોટો છાપવાનો આઈડિયા તો હતો પણ નકલી નોટો છપાઈ કેવી રીતે તે બુદ્ધિ ન હતી, આ આખા આઈડિયાને સફળ બનાવવા માટે અલ્તાફે યુટ્યુબનો સહારો લીધો હતો, યુટ્યુબમાં નકલી ચલણી નોટો બનાવવાનો વીડિયો જોઈ તેણે 100ના દરની નકલી ચલણી નોટો બનાવી હતી, નકલી ચલણી નોટો બનાવી તે બજારમાં વટાવતો હતો, દુકાનદારોને ડુપ્લીકેટ 100ની નોટો આપી 20 રૂપિયાની ખરીદી કરતો હતો અને 80 રૂપિયા પરત લેતો હતો, આમ અલ્તાફ નકલી નોટના બદલામાં અસલી નોટો ખંખેરતો હતો. અલ્તાફ દરરોજ 1500 રૂપિયાની નોટો છાપતો હતો અને દુકાનોમાંથી નાની નાની વસ્તુઓની ખરીદી કરતો હતો.
પોલીસે પ્રિન્ટર,પેપર,બેગ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
આરોપી અલ્તાફ દીવાનનો નકલી આપી અસલી લેવાનો મનસૂબો વધુ દિવસો ન ચાલી શક્યો, આખરે ઓલપાડ પોલીસે અર્થતંત્રને નુકશાન પહોંચાડનાર ભેજાબાજ અલ્તાફ દીવાનને ઝડપી જેલ હવાલે કરી દીધો છે, ઓલપાડ પોલીસની સતર્કતાને લઈ દેશના અર્થતંત્રને નુકશાન થતું અટક્યું છે, ત્યારે ઓલપાડ પોલીસની આ સરાહનીય કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, પોલીસે ડુપ્લીકેટ નોટો છાપનાર અલ્તાફ દીવાનની ધરપકડ કરી પ્રિન્ટર,પેપર,બેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


