- દશેરા પર્વની અનોખી ઉજવણી
- ડ્રગ્સરૂપી રાવણનું સુરતમાં દહન
- દેશભરમાં રાવણદહનની ઉજવણી
સુરતમાં પોલીસ દ્વારા દશેરાના દિવસે એક અનોખા રાવણદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાનને લઈ જાગૃતતા ફેલાવવા માટે અનોખો 18 ફૂટ ઊંચો રાવણ બનાવાયો હતો અને તેનું દહન કરાયું હતું.
મહત્વનું છે કે આ દશેરા તહેવાર રામ દ્વારા રાવણ, અંબેમા દ્વારા મહિષાસુર અને અસત્ય દ્વારા સત્ય પરની જીતનો તહેવાર છે જે પાવનપર્વ દશેરાની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતના યુવાનોમાંથી ડ્રગ્સ રૂપી દૂષણને નાથવા માટે અનોખી રીતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીયાં 18 ફૂટનો એક ડ્રગ્સ રૂપી રાવણ બનાવવામાં આવ્યો છે જેમાં યુવાનોને સે નો ટુ ડ્રગ્સ જેવા સ્લોગન્સ સાથે જાગૃત કરી આ રાવણનું દહન કરાયું
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ રાજ્યમાંથી ઝડપાઈ રહેલા ડ્રગ્સને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ સૌથી પહેલા સમગ્ર ગુજરાતવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રાજ્યમાં મળતા ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ નથી જોઈ. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે. આ અંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.
માદક દ્રવ્યોના વેચાણમાં રહેલા અને અન્ય અસામાજિક ગતિવિધિ કરતા તમામ તત્વોને હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને સજા મળે ત્યાં સુધી ગુજરાત પોલીસ તેમની પાછળ રહેશે.


