- સ્ટોર ઈન્ચાર્જ સહિત 7 લોકોએ કંપનીમાંથી 5.87 કરોડના સ્ટીલના પાઈપની ચોરીને અંજામ આપ્યો
- આરોપીઓ પાઈપ ટુકડા કરીને ચોરીનો માલ બરોબાર વેચી મારતા હતા
- મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
સુરતના હજીરા સ્થિત L&T કંપનીના યાર્ડમાંથી સ્ટેનલેસ સ્ટીલના 206 પાઈપ ચોરી થવાની ઘટના સામે આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 5.87 કરોડ છે. આ પાઈપની ચોરી કરનાર 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. કંપનીના સ્ટોર મેનેજર સાથે મળીને સમગ્ર ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે અન્ય ફરાર આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓ સ્ટેનલેસ સ્ટીલની પાઈપ ગોડાઉનમાં મૂકી દીધી હોવાની રસીદ બનાવી દેતા હતા
હજીરા સ્થિત L&T કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલની જે પાઈપ મંગાવવામાં આવતી હતી, તે ગોડાઉનમાં મુકવાને બદલે બારોબાર અન્ય સ્થળે લઈ જવામાં આવતી હતી. સ્ટેનલેસ સ્ટીલની પાઈપ ગોડાઉનમાં મૂકી દીધી હોવાની રસીદ બનાવી દેતા હતા અને સ્ટોર મેનેજર સાથે મળીને બારોબાર ટુકડા કરીને વેચી દેતા હતા. L&T કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નિલાંજન ચક્રવર્તી, જે ગોડાઉનમાં રાખ્યો તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા જે 15, બંસીની ચાલી, અશોકમીલ પાસે, નરોડા રોડ પર રહે છે અને મુખ્ય આરોપી અશોકભાઈ મંગાભાઈ પટણી તેને મદદ કરનાર નુરઅલ્લા મતીઉલ્લા તથા સહ આરોપીઓ મળી એસ.એસ. પાઈપનું ઈલેક્ટ્રીક મશીનથી કટીંગ કરી પાઈપોના ટુકડા કરી અલગ અલગ વેચાણ કરતા હતા.
પાઈપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવતી
પોલીસે જણાવ્યું કે L&T કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળીને કરોડો રૂપિયાની પાઈપ સગેવગે કરતા હતા. પાઈપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવ્યા હતા અને કુલ 5.70 કરોડની પાઈપની ચોરી કરી વેચાણ કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જેને આ પાઈપ વેચવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે.
સીસીટીવી સહિતના અલગ અલગ પુરાવાઓની શોધખોળ કર્યા બાદ આરોપી ઝડપાયા
અત્યારે જે ત્રણ આરોપી ઝડપાયા છે એમનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે કંપનીના યાર્ડમાં સ્ટેનલેસ સ્ટીલની પાઈપો મૂકવામાં આવતી હતી, તેને બદલે ખોટી રીતે રસીદો બનાવીને અન્ય ભાડે રાખેલા ગોડાઉનમાં લઈ જવાતી હતી. સીસીટીવી સહિતના અલગ અલગ પુરાવાઓની શોધખોળ કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.


