- યુવતીની માથામાં બોથડ પદાર્થ મારી કરી હત્યા
- હત્યા બાદ યુવકે પણ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
- ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે
સુરતના ઉધનામાં ઓમશ્રી સાંઇ જલારામ નગરમાં બુધવારે સવારે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંને વચ્ચે કોઈ વાતે વિવાદ થતાં ઉશ્કેરાટમાં પ્રેમીએ ઘાતકી કૃત્ય આચર્યાનું પોલીસ માની રહી છે. ઘટના બપોરે સાડાબારેક વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવી હતી.
આ અંગેની માહિતી અનુસાર, ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં પહેલા માળ ઉપર એકાદ મહિના પહેલાં જ યુવક અને તેની વૃદ્ધ માતા ભાડે રહેવા આવ્યા હતા. આજે બપોરે આ વૃદ્ધા નોકરીથી ઘરે આવી ત્યારે અંદરથી દરવાજો બંધ જોવા મળ્યો હતો. સતત ખખડાવવા છતાં અંદરથી કોઇ જવાબ નહિ મળતાં કશું અજુગતું થયાની શંકાથી પોલીસને જાણ કરાઇ હતી. દોડી આવેલી ઉધના પોલીસે દરવાજો તોડી નાંખ્યો હતો. અંદરનું દ્રશ્ય કંપાવનારું હતું. દરવાજા પાસે જ એક યુવતીની લોહી નીગળતી અવસ્થામાં લાશ પડી હતી. વૃદ્ધાનો પુત્ર વિજય ગોહિલ પણ છતના હુક સાથે દુપટ્ટાથી ફાંસો ખાધેલી અવસ્થામાં મૃત થઈ લટકી રહ્યો હતો.
પોલીસે ડેડબોડી નીચે ઉતારવાની સાથે પૂછપરછ કરતાં મૃતક યુવતી ઉધના વિજયા નગરમાં રહેતી અને વિજય ગોહિલની પ્રેમિકા રીયા કોઠારી હતી. વિજય પણ તેની માતા સાથે વિજ્યા નગરમાં જ યુવતીના ઘર પાસે જ રહેતો હતો અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેના પ્રેમસંબંધને લઈને તેમના પરિવારજનો વાકેફ હતા.
જોકે વિજય ગોહિલે પ્રેમિકાની હત્યા કરી પોતે આપઘાત કેમ કર્યો તેને લઈ રહસ્ય સર્જાયું હતું. વિજયની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે યુવતીના પિતા આ સંબંધને લઇ સહમત થતાં નહિ હોઇ આવેશમાં આ પગલું ભરવામાં આવ્યું હોવાની સંભાવનાઓ પણ પોલીસ જોઈ રહી છે. ચોક્કસ કારણનો તાગ મેળવવા પોલીસ યુવકની માતા અને યુવતીના પિતાનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું.


