- ભૂમાફિયાએ 40માંથી 14 વીઘાનો સોદો કર્યો હતો
- મીન માલિકના હમશકલને સબ-રજિસ્ટ્રાર સામે લઈ ગયા હતા
- જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો હોવાનો પર્દાફાશ
રૂપિયા 100 કરોડની જમીન બારોબાર વેચવાનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ભૂમાફિયાએ 40માંથી 14 વીઘાનો સોદો કર્યો હતો અને જમીન માલિકના હમશકલને સબ-રજિસ્ટ્રાર સામે લઈ ગયા અને ભાંડો ફૂટ્યો છે. એક મહિલા સહિત 7 પકડાયા છે. સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો હોવાનો પર્દાફાશ થયો છે.
સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી
સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, 40 વીઘા જમીનની માર્કેટ વેલ્યૂ 90થી 100 કરોડ રૂપિયા જેવી થાય છે. એમાંથી 14 વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં 3.41 કરોડ રૂપિયા લઈ લીધા હતા. ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરૂષ રૂસ્તમજી પટેલની ભેસાણના અલગ-અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બે ભેજાબાજ ગયા હતા. પરંતુ કુરૂષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાઅરજી કરી હતી, જેથી સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને કુરૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામઅલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટરમાઈન્ડ મુકેશ મનસુખ મેંદપરાની ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બોગસ બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદ કરનાર 4 લોકોની ધરપકડ કરી
ગત મોડી રાત્રે 3.41 કરોડની રકમ જે ખાતામાં જમા કરાવી હતી તે બેન્કનું બોગસ બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદ કરનાર 4 લોકોની ધરપકડ કરી હતી. અઠવાલાઇન્સ પોલીસે બેન્ક કર્મચારીઓ હિતેશભાઈ ધનસુખભાઈ પાટવાલા, આર.બી.એલ બેન્ક વેસુના બ્રાંચ મેનેજર, સુરજ રાકેશ તિવારી, સેલ્સ ઓફીસર, કિરણકુમાર તુકારામભાઈ સોનાર વેસુ બ્રાન્ચમાં સેલ્સ ઓફીસર તેમજ ICICI બેંકમાં કોર્પોરેટ સેલેરી ટીમના કર્મચારી અને બોગસ બેન્ક ખાતું ખોલવાના ફોર્મ તથા બીજા ડોક્યુમેન્ટમાં સહી કરનાર મહિલા જમીન દલાલ સ્મીતાબેન સરજુભાઈ મફતલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી અકબર મિયા નથુમિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
સબ-રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી
ભેસાણ ગામની 40 વીઘા જમીન છે, વૃદ્ધ પારસીની આ જમીન છે. તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ શખસો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક જે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનું નામ ઝાકીર હુસૈન છે, જે ગીર સોમનાથના વેરાવળનો રહેવાસી છે. તેની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય જમીનદલાલ મુકેશની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે ત્યાં હાજર પીયૂષ શાહ અને અકબર નામની વ્યક્તિ પોલીસ પહોંચે એ પહેલાં ત્યાંથી નાસી ગયા હતા, જોકે પાછળથી આ બંને પણ પકડાઇ ગયા છે.
માર્ચ-એપ્રિલથી જ પારસી વૃદ્ધની આ જમીન પર નજર રાખી
આ લોકો માર્ચ-એપ્રિલથી જ પારસી વૃદ્ધની આ જમીન પર નજર રાખી હતી. તેમણે પહેલા એક એવી વ્યક્તિની શોધ કરી,જે જમીનના મૂળ માલિક જેવા દેખાતો હોય છે. આ ષડયંત્રમાં અકબર નામની વ્યક્તિએ મદદ કરી અને મૂળ વેરાવળના એક શખસને લઈ આવ્યો હતો. જે મૂળ માલિક જેવો દેખાતો હતો. જે-તે વ્યક્તિના નામ પરથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યાર પછી આધાર કાર્ડ, પાનકાર્ડ અને વોટર આઇડી બોગસ બનાવ્યું હતું. તેમણે આ જમીન સુરતમાં કોઈ અન્ય વ્યક્તિને વેચી હતી, પરંતુ કોઈ કારણસર સોદો કેન્સલ થતાં એ રકમ પરત કરી દીધી હતી.


