કોસંબામાં છ વર્ષિય બાળકીની સાથે દુષ્કર્મ આચારનારા યુવકને કોર્ટે તકસીરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા તેમજ 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ભોગ બનનાર બાળકી આરોપી યુવકને કાકા કહીને બોલાવતી હતી. જેનો ગેરલાભ લઇને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, આવા આરોપી પ્રત્યે દયા દાખવી શકાય નહીં તેમ પણ કોર્ટે નોંધ્યું હતું.
આ કેસની વિગત મુજબ પીપોદારા ગામે રહેતી તેમજ મશીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એક પરિવાર જે વતનમાં રહે છે તેની બાજુના ગામમાં એટલે કે મુળ રાજસ્થાનના ચિરુ જિલ્લાના રતનગઢ તાલુકાના બછરારા ગામના વતની તેમજ સુરતમાં માંગરોળ જિલ્લાના પીપોદરા ગામે રાધે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં રહેતો વિક્રમ હનુમાનસિંહ ઠાકુર (રાજપુત) પણ તેમની સાથે કામ કરતો હતો. વિક્રમ સાથે જ કામ કરતો હતો અને વતનમાં પણ રહેતો હોવાથી એકબીજાની સાથે સારી રીતે પરિચય હતો. આ પરિવારની છ વર્ષિય માસૂમ બાળા વિક્રમને ચાચા કહીને બોલાવતી હતી. ગત તા. 06-04-2025ના રોજ બાળા પગ પહોળા કરીને ચાલતી હતી. માતાએ બાળાને પુછયું ત્યારે બાળાએ કહ્યું કે, વિક્રમ ચાચાએ મને લઇ ગયા હતા અને મારા કપડા કાઢીને મારા શરીરે હાથ લગાડયા હતા અને બદકામ કર્યું હતું.આ ઘટનાના કારણે બાળાને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. બનાવ અંગે પરિવારે વિક્રમને પુછયું ત્યારે વિક્રમે કહ્યું કે, મેં આવું કશું કર્યું નથી. બાળાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને વિક્રમને ત્યાં હાજર રહેવા કહ્યું હતું પરંતુ વિક્રમ ત્યાંથી ભાગી છૂટયો હતો. બનાવ અંગે કોસંબા પોલીસ મથકમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મ અંગે વિક્રમની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો હતો. આ કેસ ચાલી જતાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નયન સુખડવાલાની નિમણૂંક કરાઇ હતી, તેમની સાથે સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટે પણ દલીલો કરી હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ કેસ ચાલી જતાં પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ વિનોદ વી. પરમારે બંને પક્ષોની દલીલો બાદ આરોપી વિક્રમ ઠાકુરને તકસીરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. સામાન્ય પણે હવે પોક્સો કેસના ગુનાઓમાં જ્યારે કેસ પુરવાર થાય છે ત્યારે મોટાભાગે આરોપીને લાંબી સજા થાય છે. આ કેસમાં બાળાના પરિવારને 6 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.


