- ઝાલાવાડમાં રહેતી યુવતીના 3 માસ પહેલાં જ સુરત લગ્ન થયાં હતાં
- સસરાથી અલગ રહેતા દંપતીને પતિનો પૂરો પગાર સસરાને આપવા બાબતે ક્લેશ ચાલતો હતો
- લગ્ન બાદ પરિણીતા અને તેના પતી સાસુ-સસરાથી અલગ રહેતા હતા
ઝાલાવાડમાં રહેતી એક યુવતીના 3 માસ પહેલા જ સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અલગ રહેતા દંપતીમાં સસરા પતિનો પુરો પગાર તેઓને આપવાનું કહેતા હતા. આ ઉપરાંત પતિ સાથે ઝઘડો થતા પરીણીતા દસાડાના પીપળી આવી પહોંચી હતી.
બનાવની જાણ થતા 181ની ટીમ પરિણીતાની વહારે આવી હતી અને હાલ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો છે. હાલના આધુનીક સમયમાં લગ્ન જીવનની શરૂઆતમાં જ ઘર કંકાસ વધી જાય છે. ત્યારે આવા જ એક બનાવમાં પરિણીતાની વહારે 181ની ટીમ આવી હતી. મળતી માહીતી મુજબ ઝાલાવાડમાં રહેતા એક પરીવારની દિકરીના 3 માસ પહેલા જ સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા અને તેના પતી સાસુ-સસરાથી અલગ રહેતા હતા. પરંતુ સસરા પતિનો પુરો પગાર તેઓને આપવાની વાત કરતા હતા. આ બાબતે ઘરમાં ઝઘડો ચાલતો હતો. આ દરમીયાન એક દિવસ સવારે પતિ મોડા ઉઠતા પરિણીતાએ પરોઠાનો નાસ્તો એકલા જ બનાવી ખાવા લાગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આથી ઘરેથી નીકળેલી પરિણીતાએ પિતાને ફોન કરતા પિતાએ પીયર આવવાની ના પાડી દીધી હતી. જયારે પિતાના ગુરૂની જગ્યા દસાડા તાલુકાનું પીપળીધામ હોઈ પરિણીતા ત્યાં પહોંચી હતી.
મંદીરના સંતોની સલાહથી પરિણીતાએ 181ને ફોન કરતા અભયમ હેલ્પલાઈનના કાઉન્સીલર ચંદ્રીકાબેન મકવાણા, કોન્સ્ટેબલ રીનાબેન, પાયલોટ જીજ્ઞેશ ગોસ્વામી સહિતનાઓ દોડી ગયા હતા. અને પરિણીતાનું કાઉન્સેલીંગ કર્યુ હતુ. જેમાં તે પતી પાસે જવા માંગતી હતી. પરંતુ પતી તેડી જવાની ના પાડતો હોઈ તથા પિતાના ઘરે તેને જવુ ન હોઈ હાલ તેને સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.


