- રૂ. 1.25 લાખ વળતર તરીકે ચૂકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરાયો
- કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 6 માસની કેદની સજા ફટકારી છે
- વેપારીએ 7-5-15ના રોજ લોન એગ્રીમેન્ટ પણ કરાયુ હતુ
સુરેન્દ્રનગરના મીયાણાવાડમાં રહેતા વેપારીએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ વાહનની ખરીદી કરી હતી. ત્યારબાદ લોનના હપ્તા નીયમીત ન ભરતા ચડત રકમ માટે રૂપીયા 1.25 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો. જેમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 6 માસની કેદની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરના ટાવર પાસે આવેલ મીયાણાવાડમાં રહેતા સાદીક ઉર્ફે સીદ્દીક હુસેનભાઈ ભટ્ટી વેપારી છે. તેઓને વાહનની જરૂર પડતા સુરેન્દ્રનગરના બસ સ્ટેશન રોડ પર આવેલ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. આ માટે 7-5-15ના રોજ લોન એગ્રીમેન્ટ પણ કરાયુ હતુ. ત્યારબાદ સાદીકભાઈ લોનના હપ્તાની નીયમીત ચુકવણી કરતા ન હતા. અને કંપની તરફથી ચડત રકમની વારંવાર ઉઘરાણી કરાતા સાદીકભાઈએ તા. 25-01-2018ના રોજ રૂપીયા 1.25 લાખની રકમનો ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં ભરતા તા. 31-10-2018ના રોજ એકાઉન્ટ બ્લોકડના શેરા સાથે પરત ફર્યો હતો. આથી કંપનીના કર્મી ભાવીન ઘનશ્યામભાઈ ઠાકરે સાદીક ભટ્ટી સામે તા. 4-1-2019ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં કંપનીના વકીલ ડી.પી.પાઠકની દલીલો અને 1 મૌખીક તથા 9 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ ત્રીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.એસ.ઠાકોરે આરોપી સાદીક ભટ્ટીને કસુરવાર ઠેરવ્યો હતો. અને 6 માસની સાદી કેદની સજા ફટકારાઈ છે. આ ઉપરાંત ચેકની રકમ રૂપીયા 1.25 લાખ કંપનીને વળતર તરીકે ચુકવવા હુકમ કરાયો છે. જો તેઓ આ રકમ ન ભરે તો વધુ 1 માસની સજાનો પણ હુકમ કરાયો છે.


