- બંને પક્ષના ઈજાગ્રસ્તોને વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે કુલ 16 સામે ગુનો નોંધ્યો
- અગાઉ પ્રેમસંબંધના મામલે તકરાર બાદ સમાધાન થયા બાદ 1 વર્ષ પછી યુવાન ગામમાં પાછો આવતા ફરી મામલો બિચકયો
- ઝેઝરા ગામે શનિવારે રાત્રિના થયેલી તકરારમાં 7 વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ઝેઝરા ગામમાં અગાઉ યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધની જુની અદાવતમાં યુવાન એક વર્ષ ઉપરાંત સમય બાદ ગામમાં પાછો આવતા શનિવારે રાત્રે નવ કલાક જેટલા સમયે યુવાન અને સામા પક્ષના યુવાનનો ગામમાં પ્રજાપતિ વાસમાં આવેલી દુકાને ભેટો થઈ જતા મામલો બિચકયો હતો અને તકરાર સર્જાઈ હતી. જેમાં સામસામે કુલ આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં નવઘણભાઈ હમીરભાઇ અલગોતર નામના એક 62 જેટલી વયના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતુ.વધુ એક વડીલને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે. ત્યારે બનાવની જાણ નળસરોવર પોલીસને થતાં પહોંચી હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મૃતકનું પોસ્ટમોર્ટમ વિરમગામ સરકારી હોસ્પિટલમાં થયા બાદ લાશ રવિવારે સવારે પરિવારજનોને સોંપવામાં આવી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કુલ 16 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કર્યાની માહિતી નળસરોવર પોલીસ મથકના અધિકારી ડામોર દ્વારા જાણવા મળ્યુ છે.
બનાવની વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઝેઝરા ગામમાં રહેતા સારદિયા મુકેશ દયારામભાઈ વય બાવીસ જેટલીના યુવાન અને સામા પક્ષના અલગોતર પરિવારની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ મામલે અગાઉ ગામમાં સમાધાન થયુ હતુ અને યુવાનને એક વર્ષ ગામમાં નહીં રહેવાનું નક્કી થયું હતુ. જેથી યુવાન એક વર્ષ બાદ છેલ્લા ચાર દિવસથી ગામમાં પાછો આવ્યો હતો. શનિવારે રાત્રે મુકેશ ગામની દુકાને માવો લેવા ગયો હતો અને બેઠો હતો. દરમ્યાનમાં સામા અલગોતર પરિવારનો યુવાન ત્યાં આવતા બંને વચ્ચે ફરી જુની અદાવતે બોલાચાલી સર્જાઈ હતી. બંને પક્ષે પરિવારો સામ સામે આવી જતા તકરાર માં પરિણમી હતી. લોહિયાળ મારામારી સર્જાઈ હતી. જેમાં અલગોતર નવઘણભાઇ હમીરભાઇ, કુકાભાઈ હમીરભાઇ, હરીભાઈ હીરાભાઈ, પ્રકાશ કુકાભાઇ, મેલા નવઘણભાઈ સામે પક્ષે સારદીયા મુકેશ દયારામ,સુરેશ કેશારામ, દયારામ ગંગારામ સહિત કુલ આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે વિરમગામ ખસેડાયા હતા. કુકાભાઈ હમીરભાઇ ને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેમને અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે અલગોતર નવઘણભાઈ હમીરભાઇ ઉંમર બાસઠ જેટલી વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતુ. જેમનું પીએમ કાર્ય કરી લાશ પરિવારને સોંપી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કુલ 16 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કર્યાની માહિતી જાણવા મળી છે.


