નાની મોલડી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બોરીયાનેશના પાટીયા પાસે આવેલ હોટલમાં ડીઝલ ચોરીની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં પોલીસને જોઈને સંચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેન્કર અને ડીઝલ સહિત રૂ. 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરની હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃતીઓએ માઝા મુકી છે. હાઈવેની હોટલોના મેદાનમાં ડીઝલ ચોરી, લોખંડ ચોરી, ગેસ ચોરી, દારૂની પ્રવૃતીઓ થતી હોવાથી એસપી પ્રેમસુખ ડેલુએ તાજેતરમાં જ હોટલ સંચાલકોને બોલાવી આવી પ્રવૃતી બંધ કરી દેવા કડક સુચના આપી છે. તેમ છતાં આવી પ્રવૃતી છાનાખુણે ચાલતી હોવાની રાવ ઉઠી છે.
આ દરમીયાન પેટ્રોલીંગ કરી રહેલ નાની મોલડી પોલીસના પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બોરીયાનેશના પાટીયા પાસે આવેલ યુપી બીહાર હોટલનો સંચાલક જેઠુર રામકુભાઈ ખાચર ડીઝલ ચોરીની પ્રવૃતી કરતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે 3-30 કલાકે રેડ કરાઈ હતી. જેમાં જેઠુર પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. જયારે કવીક સપ્લાય ચેઈન પ્રા. લી.ના ટેન્કરમાંથી ડીઝલ ચોરી થતી હતી. આથી ટેન્કર અને ડીઝલ સહિત રૂ. 29,04,856નો મુદ્દામાલ કબજે કરી ફરાર થનાર હોટલ સંચાલક જેઠુર ખાચર અને ટ્રકના ચાલક સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ એચસી જે.જે.જીડીયા ચલાવી રહ્યા છે.


