- ધો. 12ના બન્ને પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે
- બોર્ડની વેબસાઈટ ઉપર સવારે 9 કલાકે પરિણામ જાહેર કરાશે
- વિદ્યાર્થીઓ વોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે 9- કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર થનાર છે. જિલ્લાના 11,793 વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહની અને 1,430 વિદ્યાર્થીઓએ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. ત્યારે આજે ગુરૂવારે જાહેર થનાર પરીણામ જિલ્લાના ધો. 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ભાવી નકકી કરાશે .
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસની 11 તારીખથી બોર્ડની પરીક્ષાની શરૂઆત કરાઈ હતી. જેમાં ધો. 10ના 19,280, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1,430 અને ધો. 12 સામાન્ય પ્રવાહના 11,793 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પુરી થયા બાદ વિદ્યાર્થીઓ હાલ વેકેશન માણી રહ્યા છે અને પરીણામની રાહ જોઈ રહ્યા હતા. તેમાં પણ લોકસભા ચૂંટણીમાં મતદાન આવતા પરિણામ મતદાન બાદ જાહેર થાય તેમ લાગતુ હતુ. ત્યારે તા. 7ના રોજ મતદાન થઈ જતા આજે તા. 9ના રોજ બોર્ડ દ્વારા એક સાથે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરનાર છે. બોર્ડની વેબસાઈટ ઉપર આજે તા. 9 મે ગુરૂવારે સવારે 9-00 કલાકે ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ સાથે વ્યવસાયલક્ષી, ઉત્તર બુનીયાદી, ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરીણામ મુકવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ www.gseb.org ઉપર જઈ પોતાનું પરીણામ જાણી શકશે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાએ જણાવ્યુ કે, આજે તા. 9મીએ બોર્ડની વેબસાઈટ પર પરીણામ મુકવામાં આવનાર છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક શાળાવાર મોકલવાની તારીખ હવે પછી જાહેર કરાશે. જયારે ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત રહેવાની જરૂરી સુચનાઓ શાળાને મોકલી અપાઈ છે.
વિદ્યાર્થીઓ વોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે । માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષ 2023થી બોર્ડની વેબસાઈટ ઉપરાંત વોટસએપથી પરીણામ જાણવાની સુવીધા વિદ્યાર્થીઓને આપી છે. પરિણામના દિવસે રાજયના હજારો વિદ્યાર્થીઓ એક સાથે પરિણામ જોતા હોવાથી કોઈકવાર વેબસાઈટ હેંગ થઈ જવાના બનાવો બને છે. ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા વોટસએપ નંબર 63573 00971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પણ પરિણામ જાણી શકશે.


