- વાહનમાં નીંદર માણી રહેલા ચાલકનો ફોન અને રોકડ ચોરાઈ હતી
- સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઝડપી લઈ ચૂડા પોલીસના હવાલે કર્યો
- એલસીબી ટીમે બનાવના 7માસ બાદ પકડી લઈ ચૂડા પોલીસના હવાલે
જામનગરમાં રહેતો અને ડ્રાઈવીંગ કરતો યુવાન ઓકટોબર 2023માં જામનગરથી અમદાવાદ જતો હતો.
ત્યારે મોરવાડ પાસે આવેલી હોટેલ પર પોતાના વાહનમાં નીંદર માણતા સમયે કોઈ શખ્સ રોકડ અને મોબાઈલ ચોરી કરી લઈ ગયો હતો. આ શખ્સને એલસીબી ટીમે બનાવના 7 માસ બાદ પકડી લઈ ચૂડા પોલીસના હવાલે કર્યો છે.
જામનગરના મયુરનગરમાં રહેતા 26 વર્ષીય દુષ્યંતસીંહ રાજેન્દ્રસીંહ તવર ડ્રાઈવીંગ કરે છે. તેઓ માલસામાન ભરવા પોતાનું છોટાહાથી લઈને તા. 6 ઓકટોબર 2023ના રોજ જામનગરથી અમદાવાદ જતા હતા. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ પાસે રાત્રે રાજસ્થાની ઢાબામાં જમવા રોકાયા હતા. ત્યારબાદ તેઓ છોટાહાથીના બન્ને કાચ ખુલ્લા રાખી સુઈ ગયા હતા. વહેલી સવારે 4 કલાકે ઉઠી પોતાનો મોબાઈલ જોતા ખીસ્સુ કપાયેલુ નજરે પડયુ હતુ. અને ખીસ્સામાં રહેલ રૂપીયા પ હજારનો મોબાઈલ અને રૂપીયા પ હજાર રોકડા સહિત રૂપીયા 10 હજારની મત્તા ચોરાઈ હતી. બનાવની તા. 19-11-23ના રોજ ચુડા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી તપાસ કરેલ રહેલ ટીમના રામદેવસીંહ, ગોપાલસીંહ, સાહીલભાઈ સહિતનાઓને આ મોબાઈલ મુળ ધંધુકા ગ્રામ્યના શખ્સે ચોર્યો હોવાની બાતમી મળી હતી. આથી વોચ રાખી ચુડા ગ્રામ્યમાંથી મુળ ધંધુકાના બાજરડા ગામના અને હાલ લીંબડીના ભોજપરામાં રહેતા 22 વર્ષીય ફારૂક ઉર્ફે ભુરીયો હાજીભાઈ મોરીને ઝડપી લીધો હતો. આ શખ્સને ચૂડા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.


