- ચોટીલાના કાળાસર ગામે મકાનમાંથી દારૂ ઝડપાયો, આરોપી વોન્ટેડ
- એ ડિવિઝન પોલીસે દારૂ, કાર સહિત રૂ.5.08 લાખની મતા સાથે બેને ઝડપ્યા
- જેમાં દારૂ ભરી આપનાર 3 સામે ફરિયાદ નોંધાઈ છે. બન્ને દરોડાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ટાવર ચોકમાંથી રાજસ્થાનથી મૂળી તરફ જતી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં દારૂ ભરી આપનાર 3 સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે ચોટીલાના કાળાસર ગામે મકાનમાંથી દારૂ પકડાયો છે. બન્ને દરોડાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતનાઓ ગુરૂવારે સાંજના સમયે શહેરના ટાવર ચોકમાં વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ સમયે શહેરના જેલચોકથી ટાવર ચોક તરફ આવતી ઈકો સ્પોર્ટસ કારને રોકી તપાસ કરતા પાછળની સીટમાંથી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે રાજસ્થાનના રાકેશ રાજુરામ બોલા અને શ્રાવણ ઉદારામ ઢાકાને દારૂની વીવીધ બ્રાન્ડની 512 બોટલ કિંમત રૂપિયા 2,04,800, રૂપિયા 4 હજારનો મોબાઈલ અને રૂપિયા 3 લાખની કાર સહિત રૂ. 5,08,800ની મત્તા સાથે ઝડપી લીધા હતા. બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ રાજસ્થાનના બાદર ઉર્ફે પ્રકાશે ભરી આપ્યો હોવાનું તથા મૂળી પહોંચતો કરવાનો હોવાનું ખુલતા ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ચોટીલા પોલીસના ધનરાજસીંહ વાઘેલા સહિતનાઓને કાળાસર ગામે રહેતો વાઘુ અનકભાઈ ખાચર તેના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાઘુ અનકભાઈ ખાચર અને ભયલુ અનકભાઈ ખાચર વિદેશી દારૂની 5 બોટલો અને 62 ચપલા મળી કુલ રૂ. 8200ની મત્તા સાથે ઝડપાયા હતા. આ શખ્સોની પુછપરછમાં દારૂ જાનીવડલાના ભીખુ પીઠુભાઈ ધાધલ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.


