- જિલ્લા કલેકટર કચેરીમાં યોજાનાર બેઠકમાં વકીલો, સિટી સર્વેના અધિકારી સહિતનાઓ ઉપસ્થિત રહેશે
- રેવન્યૂ બાર એસો. દ્વારા ગત તા.22મી માર્ચે રજૂઆત કર્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા ગુરુવારે ફરી રજૂઆત કરી
- સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ગામ નમુના નંબર-2 રેવન્યુ તલાટી પાસેથી મળતા હતા
સુરેન્દ્રનગર જિલ્લા રેવન્યુ બાર અસોસિયેશન દ્વારા ગત તા. 22મી માર્ચના રોજ પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં વિલંબ બાબતે કલેકટર કચેરીમાં રજુઆત કરાઈ હતી. પરંતુ ત્યારબાદ કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ગુરૂવારે તા. 13મી જુનના રોજ ફરી વકીલોએ કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી.
જેમાં કલેકટરે આગામી તા. 26મી જુનના રોજ બેઠક બોલાવવાનું કહ્યુ છે. જેમાં વકીલો અને સિટી સર્વેના અધિકારીઓ હાજર રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા ગામ નમુના નંબર-2 રેવન્યુ તલાટી પાસેથી મળતા હતા. પરંતુ આ રેકર્ડ સીટી સર્વે કચેરીમાં જતા રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ કઢાવવા પડે છે. પરંતુ સીટી સર્વે કચેરીમાં અરજી કર્યા બાદ લાંબા સમય સુધી પ્રોપર્ટી કાર્ડ ન મળતા અરજદારો અને તેમના વકીલો પરેશાન થઈ ગયા હતા. આથી તા. 22 માર્ચના રોજ સુરેન્દ્રનગર રેવન્યુ બાર એસોસીયેશનના રવીન્દ્રસીંહ ચુંડાસમાની આગેવાનીમાં વકીલોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત વહીવટી તંત્રે આ બાબતે દુર્લક્ષ સેવ્યુ હતુ. અને વકીલો પરિણામની રાહ જોઈ બેસી રહ્યા હતા. આથી ફરી વકીલોની ધીરજ ખુટી હતી. અને તા. 13 જુને ગુરૂવારે ફરી રેવન્યુ બાર એસોસીયેશનના સભ્યો કલેકટર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. વકીલોએ રજુઆત કરતા જણાવ્યુ કે, પ્રોપર્ટીકાર્ડ કઢાવવામાં વીલંબ થતા જમીનના સોદાઓ અટકી જાય છે. જેના લીધે સરકારી તીજોરીને પણ નુકશાન થાય છે, સાથે સાથે અરજદારો પણ પરેશાન થાય છે.


