સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મુદ્દે તપાસ તેજ કરી દેવામાં આવી છે. EDની રેડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ ગઈકાલે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. તેમનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો હતો. હવે તેમની સામે ACB દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચંદ્રસિંહના ઘરેથી 67 લાખની રોકડ મળી
ACBના DIG મકરંદ ચૌહાણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં વચેટીયા અને વકિલોની પણ સંડોવણી છે. આ ઉપરાંત ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.ઈડીની તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહના ઘરેથી 67 લાખની રોકડ મળી છે. ચંદ્રસિંહ સામે ઈડીએ ફરિયાદ નોંધાવી છે.
કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ આ કૌભાંડમાં સંડોવણી
આ કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ઈડી સમગ્ર ધડાકો કર્યો છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ આ કૌભાંડમાં સંડોવણી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક અને પીએ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. ચંદ્રસિંહ મોરીએ કરેલા ભ્રષ્ટાચારના પુરાવા પણ સામે આવ્યા છે. તેણે જમનીના એનએ અને પરવાનગીઓ બદલ લાંચની વસૂલાત કરી છે. ઈડીને તપાસ દરમિયાન લેવડ દેવડની સીટ મળી આવી છે. તેમાં કમિશન અને દલાલોના નામનો પણ ઉલ્લેખ છે. 2.61 લાખ ચો.મી જમીન સામે 26.17 લાખની લાંચનો ઉલ્લેખ છે.
પ્રતિ ચો.મી લાંચનો ભાવ નક્કી કરાયો હતો
આ તપાસમાં સામે આવ્યુ છે કે, જમીનની લેવડ દેવડમાં પ્રતિ ચો.મી લાંચનો ભાવ નક્કી કરાયો હતો. લૂઝ શીટમાં ગામ પ્રમાણે રકમ સાથેની એન્ટ્રીઓ મળી આવી છે. સરવે નંબર અને જમીન વિસ્તાર સાથે રકમની એન્ટ્રીઓ મળી છે.પરચુરણ અને 65-B હેડ હેઠળ લાંચની ગણતરી દર્શાવાઈ છે.65-B શ્રેણીમાં પણ મોટી રકમોની એન્ટ્રીઓ દર્શાવાઈ છે.ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો ઉલ્લેખ પણ છે. તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે દસ્તાવેજો એફઆઈઆરનો ભાગ હોવાનો દાવો કરાયો છે.


