- ઘરના મોબાઈલ નંબર પર ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલતા
- ખેડૂત પોતાના મિત્ર ને લઈને તેઓ આ શખ્સને સમજાવવા ગયા હતા
- પિતા-પુત્રે ખેડૂત અને તેમના મિત્રને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
રતનપરમાં રહેતા ખેડૂતના ઘરના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામમાં એક શખ્સ મેસેજ કરતો હતો. આથી મીત્રને લઈને તેઓ આ શખ્સને સમજાવવા ગયા હતા. જેમાં પિતા-પુત્રે ખેડૂત અને તેમના મિત્રને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રતનપર માળોદ ચોકડી પાસે આવેલ શીવધારા સોસાયટીમાં રહેતા 42 વર્ષીય નીલેશભાઈ ગોવિંદભાઈ પટેલ ખેડૂત છે. તા. 28ના રોજ સવારે તેઓ ઘરના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતા હતા. ત્યારે ઈન્સ્ટાગ્રામમાં જય પટેલ નામના આઈડીમાંથી મેસેજ આવેલા હતા. આ બાબતે નીલેશભાઈએ તેમની દિકરીને પુછતા તેણે આ મેસેજ ગણેશ સોસાયટીમાં રહેતો જય પટેલ કરતો હોવાનું જણાવ્યુ હતુ. આથી નીલેશભાઈ તેમના મિત્ર મયુરસીંહ વનરાજસીંહ ચાવડાને લઈને ગણેશ સોસાયટીમાં ગયા હતા. અને જય પટેલને આ હકિકત જણાવી મેસેજ જોવા તેને સાથે લઈને નીલેશભાઈ પોતાના ઘરે લઈ જતા હતા. ત્યારે પાછળથી કાર લઈને આવેલા જીગ્નેશ પટેલે પ્લાસ્ટીકનો પાઈપ કાઢી નીલેશભાઈને માર્યો હતો. જેમાં મયુરસીંહ વચ્ચે પડતા તેઓને પણ માર માર્યો હતો. અને જીગ્નેશે પોતાના દિકરા જયે કરેલ મેસેજના પુરાવા માંગતા નીલેશભાઈ પિતા-પુત્રને લઈને ઘરે આવ્યા હતા અને મેસેજ બતાવ્યા હતા. આ બનાવમાં નીલેશભાઈને ઈજા થતા સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે પિતા-પુત્ર જય પટેલ અને જીગ્નેશ પટેલ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર વી.કે.જાદવ ચલાવી રહ્યા છે.


