- બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
- સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જાણે સુસાઈડ પોઈન્ટ બની ગઈ
- લાશોને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને મોકલી વધુ તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા તાલુકાના કંટાવાથી વાવડી તરફ જતી નર્મદા કેનાલમાં બુધવારે બપોરના સમયે એક યુવક-યુવતીની લાશ તરતી હોવાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને લાશોને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જાણે સુસાઈડ પોઈન્ટ બની ગઈ હોય તેમ આત્મહત્યાના બનાવો બને છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીની બુધવારે લાશ મળી આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રાના કંટાવા ગામથી વાવડી તરફ જતી નર્મદા કેનાલમાં બપોરના સમયે એક યુવક-યુવતીની લાશ એક બીજા સાથે બાંધેલી હાલતમાં તરતી હોવાની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી હતી. બન્ને મૃતકો પાસેથી કોઈ ઓળખનો પુરાવો મળી આવ્યો ન હતો. મૃતકોની ઉંમરમાં યુવક 23-24 વર્ષનો અને યુવતી 22-23 વર્ષની વયની હોવાનું હાલ જાણવા મળે છે. પોલીસે બન્નેની લાશને પીએ માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને મોકલી આપી બન્નેના પરીવારજનોની શોધખોળ આદરી છે.


