- ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે બાળકીને કુતરું કરડતા રાજકોટ લઈ જવાઈ
- કારણ શ્વાન કરડશે તો રસી લેવા સુ.નગર જિલ્લા મથકે નહીં પણ અમદાવાદ-રાજકોટ જવુ પડશે !
- એક બાળકીને શ્વાસન કરડવાનો બનાવ બનતા તેને રસી માટે રાજકોટ લઈ જવી પડતા રોષ ફેલાયો હતો
ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં શ્વાનનો આતંક જોવા મળે છે. અગાઉ ડુમાણા ગામે શ્વાન ત્રણ બાળકોને કરડયા હતા.
ત્યારે જેગડવા ગામે એક બાળકીને શ્વાસન કરડવાનો બનાવ બનતા તેને રસી માટે રાજકોટ લઈ જવી પડતા રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 11 દિવસથી રસીનો સ્ટોક ખાલી થઈ ગયો હોવાનું સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમ સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીની અછત રહે છે. હાલ શ્વાનના કરડવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ધ્રાંગધ્રાના ડુમાણા ગામે શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. અને શાળાએ જતા 3 બાળકોને શ્વાનોએ હાથે-પગે બચકા ભર્યા હતા. ત્યારે ફરીવાર ધ્રાંગધ્રાના જેગડવા ગામે શ્વાન કરડવાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ શનિવારે સવારે જેગડવાના ભરતભાઈ રબારીની દિકરીને શ્વાન કરડયુ હતુ. આથી તેને રસી માટે રાજકોટ લઈ જવી પડી હતી. જેના લીધે પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના સીડીએમઓ ડો. એમ.કે. ગોસાઈએ જણાવ્યુ કે, રસીનો સ્ટોક એકાદ માસ પહેલા આવ્યો હતો. પરંતુ ઓછો આવતા ફરી ખાલી થઈ ગયો છે. અમોએ રસી માટે ઉચ્ચકક્ષાએ ડીમાન્ડ મુકી છે. પરંતુ હજુ સુધી સ્ટોક મળ્યો નથી. અંદાજે 10 દિવસથી રસીનો સ્ટોક ખાલી થઈ ગયો છે. જિલ્લામાં શ્વાન કરડવાના વધતા બનાવોને લઈને લોકોની શ્વાનના રસીકરણ અને ખસીકરણની માંગ ઉઠી છે.


