- 30થી વધુ ખેડૂતોની 500 વિઘા જેટલી જમીનમાં ઉગાડેલું વાવેતર બળીને નિષ્ફળ જતા લાખો રૂપિયાનું નુકસાન
- અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરતા ગામલોકોમાં આક્રોશ
- ન્યાય નહીં મળે તો આત્મ વિલોપન કરવાની તથા સબંધિત કચેરીઓ સામે આંદોલન કરવાની ખેડૂતોની ચીમકી
સાયલા તાલુકાના છડીયાળી ગામે એગ્રો ડીલર દ્વારા ખેડૂતોને વેચાણ કરવામાં આવેલા નર્મદા કંપનીના ઓર્ગેનિક ખાતરનો કપાસમાં છંટકાવ કરતા જ 30થી વધુ ખેડૂતોની 500 વિઘા જેટલી જમીનમાં ઉગાડેલું વાવેતર બળીને નિષ્ફળ જતા લાખો રૂપિયાનું નુકસાન થયાની હકીકત ઉજાગર થવા પામી છે.
ખાતરનો વેપારી ખેડૂતોને લાખોનો ચુનો ચોપડી ભુગર્ભમાં ઉતરી ગયો
નર્મદા એગ્રો ઈન્ડસ્ટ્રીઝના નામે ઓર્ગેનિક ખાતરના ઓથા હેઠળ ખેડૂતોએ ખરીદેલુ ખાતર કપાસ, જુવાર સહિતના વાવેતરમાં છોડ વૃધ્ધી માટે છંટકાવ કરતા જ તમામ ઉગેલા છોડ બળી જવા પામતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે. ગામના ત્રીસથી પાંત્રીસ ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખાતરનો વેપારી લાખોનો ચુનો ચોપડી ભુગર્ભમાં ઉતરી ગયો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગામલોકોમાં આક્રોશ
ખેડૂતોએ કથીત નકલી ખાતરનો ઉપયોગ કરતા ઉગેલો પાક બળી જતા તેને કાઢી નવેસરથી વાવેતર કરવા છતા કંઈના ઉગતા હવે શું કરીશુંની પરિસ્થિતિ છડીયાળી ગામના ખેડૂતોમાં છવાઈ જવા પામી છે. ભોગ બનનાર ખેડૂતો દ્વારા આ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી સહિતને પાંચ દિવસ પહેલા લેખિત રજૂઆત કરવા છતા કોઈ જ જવાબદાર અધિકારીએ મુલાકાત નહીં લેવા સાથે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરતા ગામલોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ આત્મવિલોપન કરવાની આપી ચીમકી
સંપૂર્ણપણે ખેતી આધારીત છડીયાળી ગામમાં ખેડૂતો સાથે બનેલા નકલી ખાતરના કારસ્તાન બાદ ખેડૂતો દ્વારા નિષ્ફળ ગયેલા વાવેતરનું યોગ્ય વળતર સરકાર તરફથી ચુકવવામાં આવે તેમજ આગામી ત્રણ દિવસમાં આ બાબતે કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે અને ન્યાય નહીં મળે તો આત્મ વિલોપન કરવાની તથા સંબંધિત કચેરીઓ સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ખેડૂતોની લેખિત રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ નર્મદા એગ્રો ઈન્ડસ્ટ્રીઝના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી, તે પણ એક સવાલ છે.


