- જોરાવરનગરની બાળકીને ભૂવાએ આપ્યા હતા ડામ
- બાળકી બીમાર હોવાથી અગરબત્તીના આપ્યા હતા ડામ
- માત્ર 3 માસની માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અહીં, માત્ર 3 માસની માસૂમ બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ દીધા હોવાથી બાળકી ગંભીર રીતે દાઝી હતી. બાળકીની તબિયત લથડતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું . આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
જોરાવરનગરની બાળકીને ભૂવાએ આપ્યા હતા ડામ
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરનામાં એક 3 માસની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની હોય તેવી ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. મૃતક માસૂમના પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બાળકીને તાવ અને શરદી થતાં પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હતી પરંતુ કોઈ ફરક ન પડતા અંધશ્રદ્ધામાં ઘેરાયેલ પરિવાર બાળકીને નજીકમાં રહેતા એક ભુવા પાસે લઈ ગયા હતા. બાળકીને સાજી કરી દેવાનું કહીને ભુવાએ માસૂમ બાળકીને પેટના ભાગે અગરબત્તીના ડામ આપ્યા હતા. આથી બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી.
માત્ર 3 માસની માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત
ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં પરિવાર વધુ સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલે લઈ આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ મામલે જનાના હોસ્પિટલે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી ભુવા વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. શ્રમિક પરિવારની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા માસૂમ બાળકીને ભોગવવી પડી છે.


