- નોંધ પડયા બાદ વેચાણ, વારસાઇ, હક્ક દાખલ-કમી કે પાક ધિરાણની કામગીરી અટકી જાય
- ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરી કરાયેલા દસ્તાવેજની 32-ક હેઠળ નોંધ પડાય છે : મામલતદાર
- નોંધ દૂર થયા બાદ જ ખેડૂત આ જમીન ઉપર કોઇ પણ કાર્યવાહી કરી શકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો પહેલા ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરી દસ્તાવેજ કરાવતા હતા જે દસ્તાવેજ સરકારી તિજોરીમાં પડેલા છે.
જે છોડાવવા ન આવતા હોવાથી સરકારે વસુલાત કરવા માટે જોરદાર કીમીયો અજમાવતા બાકી સ્ટેમ્પ ડયુટી વાળા ખેડૂતના ખાતામાં સ્ટેમ્પ ડયુટી બાકીની 32-ક ની નોંધ પાડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે જે નોંધ દૂર થયા બાદ જ ખેડૂત આ જમીન ઉપર કોઇ પણ કાર્યવાહી કરી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો અગાઉ જમીન લે-વેચના થયેલા દસ્તાવેજમાં ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરી એટલે કે સ્ટેમ્પ ડયુટીની ચોરી કરી એવુ પણ કહી શકાય. આવા દસ્તાવેજો હાલ પ્રાંત કચેરીઓ સ્ટેમ્પ ડયુટીમાં પડેલા છે જે કોઇ ખેડૂતો છોડાવવા માટે આવતા નથી અને સરકારની બાકી સ્ટેમ્પ ડયુટી ભરાતી ન હતી.ત્યારે સરકારે આ બાકી સ્ટેમ્પ ડયુટીના નાણા વસુલ કરવા માટે સરકારી કીમીયો જ અજમાવ્યો છે જેમ કે ખેડૂતે જમીન ઉપર પાક ધિરાણ લોન લીધી હોય અને બોજા નોંધ પડેલી હોય છે જે નોંધ નાણા ભર્યા બાદ જ દૂર થાય છે.એવી જ રીતે જે ખેડૂતોની સ્ટેમ્પ ડયુટી ભરવાની બાકી છે એ ખેડૂતોના સર્વે નંબર ઉપર હાલ જે ખેડૂતના નામે જમીન હોય એ જમીનના 7-12 માં બાકી સ્ટેમ્પ ડયુટીની 32-ક ની નોંધ પાડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.આ નોંધ પાડયા બાદ જ્યાં સુધી હાલ જે ખેડૂતના નામે જમીન હોય એ ખાતાની નોંધ દૂર નહી થાય ત્યાં સુધી ખેડૂત આ જમીનમાં વેચાણ સહિતની કોઇપણ પ્રકારની સરકારી કામગીરી કરી શકશે નહીં.
ખેડૂતોને પોતાના ખાતા તપાસવા ખાસ જરૂરી
વર્ષો પહેલા કોઇ ખેડૂતે સ્ટેમ્પ ડયુટી ખુટતી ભરી દસ્તાવેજ કર્યો હોય અને એ જમીન અનેક વખત વેચાણ થયા બાદ હાલ જે ખેડૂતના નામે જમીન હોય એના ખાતામાં આ બાકી સ્ટેમ્પડયુટીની 32-ક ની નોંધ પડે એટલે હાલ ખેડૂતના નામે જમીન હોય એની અગાઉ બાકી હશે અને નોંધ પડી હશે તો ? એ જાણવા માટે ખેડૂતોમાં ભારે તાલાવેલી જાગી છે અને 7-12 ચકાસી રહયા છે.
ગમે એટલા દસ્તાવેજ થયા હોય હાલના નામે નોંધ પડે
ધ્રાંગધ્રા ઇ ધરા મામલતદારે જણાવેલ કે વર્ષો અગાઉ ખેડૂતે ઓછી સ્ટેમ્પ ડયુટી ભરી દસ્તાવેજ કર્યો હોય, ત્યારબાદ ગમે એટલી વખત વેચાણ દસ્તાવેજ થયા હોય. પરંતુ હાલ જેના નામે જમીન હોય એના ખાતામાં જ નોંધ પડાય છે.
અગાઉના ખેડૂતની ભુલ હાલના ખેડૂતને ભોગવવાની
વર્ષો પહેલા કોઇ ખેડૂતે સ્ટેમ્પ ડયુટી ઓછી ભરી દસ્તાવેજ કર્યો હોય અને હાલ એ જમીન અનેક વખત વેચાણ થયા બાદ જે ખેડૂતના નામે હોય એને વગર વાંકે સ્ટેમ્પ ડયુટીના રૂપીયા ભરવા પડશે.


