- દુધરેજ કેનાલ પાસે પેટ્રોલિંગમાં રહેલ પોલીસે અપહ્યતને છોડાવ્યો હતો
- મૈત્રી સંબંધ ધરાવતી મહિલાના ઘરે આવેલા આધેડનું અપહરણ કરાયું હતું
- મહિલાની દિકરી સહિત ચાર આરોપીઓએ આધેડને માર મારી અપહરણ કર્યુ હતુ
ભાવનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઈવીંગ કરતા આધેડને સુરેન્દ્રનગરની મહિલા સાથે મૈત્રી સંબંધ બંધાયો હતો. ગત તા. 6ઠ્ઠીને રાત્રે તેઓ મહિલાના ઘરે સુરેન્દ્રનગર આવ્યા હતા.
ત્યારે મહિલાની દિકરી સહિત ચાર આરોપીઓએ આધેડને માર મારી અપહરણ કર્યુ હતુ. આ કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
ભાવનગરમાં રહેતા 48 વર્ષીય કૌશીકભારથી કરશનભારથી ગોસ્વામી ડ્રાઈવીંગ કરે છે. તેઓને સુરેન્દ્રનગરમાં રહેતી એક મહિલા સાથે 8 માસથી મૈત્રી સંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર ફોનમાં વાતો કરતા હતા અને મળતા હતા. કૌશીકભારથી તા. 6ઠ્ઠીને શનિવારે રાત્રે આણંદથી સુરેન્દ્રનગર આવ્યા હતા. ત્યારે રાતના સમયે મહિલાની દિકરી, વિમલનાથ સોસાયટીમાં રહેતો ઋષભ સુરેશભાઈ શાહ, મહાવીરસીંહ ઉર્ફે શંભુભાઈ રમુભા ઝાલા અને કૃપાલસીંહ મહાવીરસીંહ ઝાલા મહિલાના ઘરે ગયા હતા અને શેરડીના ડંડા વડે કૌશીકભારથીને માર માર્યો હતો. જયારે તને પોલીસ મથકે લઈ જવાનો છે તેમ કહી કારમાં અપહરણ કરી દુધરેજ કેનાલે લઈ ગયા હતા. અને ત્યાં પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ સમયે સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકના નાગરભાઈ દલવાડી સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા કેનાલે જઈ પુછપરછ કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. અને પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. અને 108ને જાણ કરાતા ઈએમટી ત્રીપાલસીંહ સહિતનાઓએ દોડી જઈ ઈજાગ્રસ્ત કૌશીકભારથીને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ પીએસઆઈ એચ.એસ.જાડેજા, યુવરાજસીંહ નકુમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં આરોપીઓને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.


