- કચ્છથી નવસારી જતી ટ્રકમાંથી 300 કિલો લોખંડના સળિયાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
- ભચાઉની કંપનીના મેનેજરે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- કચ્છ-અમદાવાદ હાઈવે પર વાહનોમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને
કચ્છના ભચાઉમાં આવેલ સ્ટીલ કંપનીમાંથી વીવીધ સાઈઝના લોખંડના સળીયા ભરીને ટ્રક નવસારીના ચીખલી ગામે જતો હતો. ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક ચાલક અને સ્થાનીક ચાની હોટલનો ધારક ટ્રકમાંથી 300 કિલો લોખંડના સળીયાની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે કંપનીના મેનેજરે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા કચ્છ-અમદાવાદ હાઈવે પર વાહનોમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે. ત્યારે કચ્છથી નવસારી જતી ટ્રકમાંથી લોખંડના સળીયા ચોરાયા છે.
બનાવની પોલીસ સુત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ કચ્છના અંજાર તાલુકાના ધમડકા ગામે રહેતા રબ્બાનાભાઈ સાહેબનાભાઈ હીંગરોજા ભચાઉની મોનો સ્ટીલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા. 14 મેના રોજ ટ્રક ડ્રાઈવર સામખીયાળીના શાંતીનગરમાં રહેતો કંપનીના વીવીધ સાઈઝના લોખંડના સળીયા 27,240 કિલો લઈને ભચાઉથી નવસારીના ચીખલી ગામે જય ભવાની સ્ટીલમાં જવા લઈને નીકળ્યો હતો.
જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના હોટલ સામે જલારામ વે બ્રીજની પાછળ ટ્રક ડ્રાઈવર અને નજીકમાં આવેલ ગાત્રાળ ચાની હોટલનો મહેશ ખેંગારભાઈ પરાડીયા ટ્રકમાંથી 300 કિલો લોખંડના સળીયા કિંમત રૂપીયા 21000ની ચોરી કરતા પોલીસના હાથે ઝડપાયા હતા.
બીજી તરફ આ ટ્રક નવસારીના ચીખલી ન પહોંચતા મેનેજરને જાણ થઈ હતી. આથી આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બન્ને શખ્સો સામે રૂપીયા 21 હજારની કિંમતના 300 કિલો લોખંડના સળીયાની ચોરીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઈન્દ્રજીતસીંહ રાઠોડ ચલાવી રહ્યા છે.


