- અખાત્રીજે નૈઋત્યના પવનના લીધે ચોમાસું વહેલું આવવાનો વરતારો
- હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો થોડો નીચે આવે તેવી આગાહી કરી
- શુક્રવારે ગરમીનો પારો છેલ્લા 24 કલાકમાં 0.9 ડિગ્રી ઘટીને 42.1 નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકરી ગરમી પડી રહી છે.શુક્રવારે ઝાલાવાડવાસીઓને 42.1 ડીગ્રી ગરમીનો સામનો કરવો પડયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ અખાત્રીજના દિવસે ખેતીના સાધનો, ટ્રેકટર અને બળદની પુજા કરી ખેડાણની શરૂઆત કરી હતી. ખેડૂતો માટે સારા વાવડ એ છે કે, આ વર્ષે ચોમાસુ વહેલુ આવી શકે તેમ છે. અખાત્રીજના દિવસે પવનની દિશા પરથી વરસાદનો વરતારો કરતા નિષ્ણાતોના જણાવ્યા મુજબ અખાત્રીજે નૈઋત્યના પવનને લીધે ચોમાસુ વહેલુ બેસે તેવી શકયતા છે. બીજી તરફ દેશમાં પ્રિ મોન્સુન એકટીવીટીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના જણાવાયા મુજબ અરબ સાગર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સક્રીય થયેલી સીસ્ટમના લીધે ગુજરાતમાં વરસાદની શકયતા રહેલી છે. તેમાં પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તા. 11મીથી 13મી મે દરમિયાન વરસાદની શકયતા વર્ણવાઈ છે. જયારે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં તા. 15મીએ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે તેમ આગાહી કરાઈ છે.
ઝાલાવાડમાં વરસાદની આગાહીની સાથે સાથે ગરમીનો પારો પણ આગામી દિવસોમાં 2 થી 3 ડીગ્રી નીચે જાય તેમ જણાવાયુ છે. પરંતુ વાતાવરણ ભેજવાળુ રહેવાથી લોકોને બફારાનો સામનો કરવો પડે તેમ છે. આ ઉપરાંત મે માસના અંત સુધીમાં દક્ષિણના રાજયોમાં ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ લાગી રહ્યુ છે


