- આજે કેન્સર દિવસ : ગુજરાતમાં વર્ષે 38 હજાર દર્દીનાં મોત
- સિવિલ કેન્સર હોસ્પિટલમાં વર્ષે 25 હજાર કેન્સરના દર્દી નોંધાયા
- ગુજરાતમાં મોંઢાના કેન્સરના કેસ સૌથી વધારે
ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે કેન્સરના સતત વધી રહેલા કેસોએ ચિંતા ઊભી કરી છે. દેશમાં દર વર્ષે 8.51 લાખથી વધારે લોકોનાં કેન્સરના કારણે મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં દર વર્ષે 69 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, આ ઉપરાંત 38 હજાર જેટલા દર્દીનાં મોત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પાંચ હજારથી વધુ કેસમાંથી 2067 જેટલા દર્દીના દર વર્ષે મોત થઈ રહ્યા છે.
ગુજરાતમાં મોંઢાના કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2023માં પુરુષોમાં મોંના કેન્સરના સૌથી વધુ કેસ આવ્યા છે, બીજા નંબરે પુરુષોમાં જીભના કેન્સરના 982 કેસ છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ 1431 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગર્ભાશયના કેન્સરના 942 કેસ આવ્યા છે. એકંદરે સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષે 25 હજારથી વધુ કેન્સરના દર્દી નોંધાયા છે. તમાકુ સિગારેટના વ્યાસનના કારણે મોંઢાના કેન્સરના કેસ સતત વધ્યા છે. રાજ્યમાં 10માંથી ત્રણ કેન્સરગ્રસ્ત પુરુષને મોંઢાનું કેન્સર છે. તબીબોનું કહેવું છે કે, કેન્સર સામે લડવા માટે જાગૃતિ ખૂબ જરૂરી છે.
કેન્સરની શંકા જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચીને તપાસ કરાવવી જોઈએ. ઝડપી સારવાર મળે તો કેન્સરને ચોક્કસ હરાવી શકાય છે. નાના બાળકોમાં આંખનું કેન્સર, મોંગોલ પ્રકારના બાળકોમાં લોહીનું કેન્સર પારિવારિક રીતે જોવા મળ્યા છે.
દર્દીઓના સગાની વિના મૂલ્યે તપાસ માટે ખાસ ઓપીડી
કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બે વર્ષથી ખાસ ઓપીડી શરૂ કરાઈ છે, જેમાં દર્દીની સાથે આવનારા સગાની વિના મૂલ્યે તપાસ કરાય છે. 28 હજારથી વધુ સગાની તપાસ કરાઈ છે, જેમાં 43 લોકોમાં કેન્સર થયાનું સામે આવ્યું છે. પોલીસ પરિવારો માટે પણ તપાસણીનો કાર્યક્રમ હાથ ધરાયો હતો, 500 મહિલાઓની તપાસ કરાઈ હતી, જેમાં બે દર્દીને કેન્સર હોવાનું સામે આવ્યું હતું.


