સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સીટી લાઈટ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. પોલીસે હુક્કા અને નશા સંબંધિત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વાંધાજનક મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી માત્ર ‘ગોગો પેપર’ જ નહીં, પરંતુ નશાકારક પદાર્થો માપવા માટેનો વજનકાંટો અને ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતી ખાસ પટ્ટીઓ પણ મળી આવી છે. પોલીસે આ મામલે વિક્રેતાની કડક પૂછપરછ કરીને તમામ માલ જપ્ત કર્યો છે.
ગ્રાહકોનું થશે કાઉન્સિલિંગ
પોલીસની આ કાર્યવાહી માત્ર જપ્તી સુધી સીમિત નથી. SOG એ હવે એક ડગલું આગળ વધીને આડકતરી રીતે નશાના રવાડે ચઢેલા યુવાનોને બચાવવા માટે આયોજન કર્યું છે. છેલ્લા એક વર્ષમાં જે લોકોએ આ વિક્રેતા પાસેથી ગોગો પેપર, ચારકોલ પેપર કે ડ્રગ્સ માટેની પટ્ટીઓ મંગાવી છે, તેમનું આખું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પોલીસ આ ગ્રાહકોનો સંપર્ક કરીને તેમનું કાઉન્સિલિંગ કરશે જેથી તેઓ નશાની ગર્તામાં ન ધકેલાય. આ તપાસમાં પોલીસનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રતિબંધિત નશાકારક પદાર્થો અને સામગ્રી સુરતમાં કોણ સપ્લાય કરે છે? પોલીસ ઓનલાઇન વેબસાઇટ્સ અને સ્થાનિક કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ અને નશાના સાધનોના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


