- ગેરરીતિ છાવરવા PRO સુરેન્દ્રનગરને વઢવાણ મામલતદાર મુકાવ્યાનો ગણગણાટ તેજ
- સીસ્ટમ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અનલોક થયા બાદ લોક ખોલી શકાય નહીં
- સરકારી સીસ્ટમ અનલોક કરી ફરીથી નોંધ મંજૂર કેમ કરી હશે
વઢવાણ તાલુકાના રાજપર ગામની સર્વે નં. 70ની વેચાણ નોંધ વઢવાણ મામલતદાર ઓફીસરમા નામંજૂર કરાયાના બે દિવસ બાદ સીસ્ટમ અનલોક કરી મંજૂર કરાયાની અધિક કલેકટર દ્વારા તપાસ સોપાઇ છે. એવામાં હાલ રાજપરની સર્વે નં.71ની જમીનની વેચાણ નોંધ પણ નામંજૂર કરાયાના બે દિવસ બાદ ફરીથી સીસ્ટમ અનલોક કરી નોંધ મંજૂર કરી દીધાનો પણ ભાંડો ફૂટયો છે. આમ વઢવાણ મામલતદાર ઓફીસના મામલતદાર સ્ટાફ દ્વારા એક વખત નોંધ નામંજૂર કરી દીધાના બે દિવસ બાદ આખી સરકારી સીસ્ટમ અનલોક કરી ફરીથી નોંધ મંજૂર કેમ કરી હશે ? એની સામે પણ અનેક સવાલો થઇ રહયા છે. બીજી તરફ કલેકટર ઓફીસ સુરેન્દ્રનગરના જ પીઆરઓ સાથે ચીટનીસનો ચાર્જ સંભાળતા પી.એમ.અટારાની જ વઢવાણ મામલતદાર તરીકે બદલી થતા બિલ્ડર્સ અને ઉચ્ચ અધિકારીઓએ જ મોટા ગજાના રાજકીય નેતાઓની મદદથી રાજપરના જમીન કૌભાંડની ગેરરીતિને છાવરવા માટે મુકાવ્યા હોવાની વાતે જોર પકડયુ છે. કારણ નોંધ નામંજૂર થયા બાદ ફરીથી અપીલ જ કરવી પડે. એના બદલે તાત્કાલીક મંજૂર કરાતા હુકમ પણ થઇ જતા હવે આ બંને જમીનની શરતભંગની કાર્યવાહી થાય છે. બિનખેતીની કાર્યવાહી ખોરંભે પડે છે કે વઢવાણ મામલતદાર સહિતના જવાબદારો સામે મહેસુલ વિભાગ દ્વારા કેવા પગલાં લેવાય છે? એની સામે સમગ્ર વિસ્તારના લોકો સાથે અધિકારીઓની પણ નજર મંડાયેલી છે.


