- સાઉથ આફ્રિકા સામે સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમી
- સૂર્યકુમાર યાદવે T20 ઇન્ટરનેશનલમાં 2000 રન પૂરા કર્યા
- સૂર્યકુમાર યાદવે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડ્યો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી બીજી T20 મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મેચ દરમિયાન ક્યારેય એવું લાગ્યું નહીં કે તે ભારતમાં નહીં પરંતુ આફ્રિકાની ધરતી પર રમી રહ્યો છે. ભારતીય ટીમ માટે ચોથા સ્થાને બેટિંગ કરતા તેણે 155.56ના સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવે એમએસ ધોનીને પાછળ છોડ્યો
આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે પણ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે સાઉથ આફ્રિકા સામે ટી20 ફોર્મેટમાં તેમની ધરતી પર કેપ્ટન તરીકે એક ઈનિંગમા સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. તેના પહેલા દેશના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે આ ખાસ સિદ્ધિ નોંધાઈ હતી. 16 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007માં ધોનીએ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે 45 રનની ઇનિંગ રમી હતી. જોકે, હવે સૂર્યકુમાર યાદવે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. ગઈકાલે સુકાની તરીકે તેણે 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 17મી ફિફ્ટી પણ હતી.
સૂર્યકુમાર યાદવે T20માં 2000 રન પૂરા કર્યા
સાઉથ આફ્રિકા સામે બીજીT20 મેચમાં રમેલી શાનદાર ઇનિંગ્સની મદદથી સૂર્યકુમાર યાદવે T20 ફોર્મેટમાં પોતાના 2000 રન પૂરા કર્યા છે. આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં તેને 56 ઈનિંગ્સ લાગી હતી. સૂર્યકુમાર યાદવ પહેલા વિરાટ કોહલીએ પણ 56 ઇનિંગ્સમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. આ બે બેટ્સમેન સિવાય પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 52-52 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 107 ઇનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે. આ સિવાય રોહિત શર્મા T20Iમાં ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે, કેએલ રાહુલ ત્રીજો અને સૂર્યકુમાર યાદવ ચોથો બેટ્સમેન બની ગયો છે.
- 4008 રન – વિરાટ કોહલી (107 ઇનિંગ્સ)
- 3853 રન – રોહિત શર્મા (140 ઇનિંગ્સ)
- 2256 રન – કેએલ રાહુલ (68 ઇનિંગ્સ)
- 2000* રન – સૂર્યકુમાર યાદવ (56 ઇનિંગ્સ)


