ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા 20 જૂનથી લીડ્સના હેડિંગલી મેદાન પર પહેલી ટેસ્ટ રમશે.
આ સાથે મુંબઈની ઈમર્જિંગ ટીમે પણ તેના ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને 16 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઈમર્જિંગ ટીમની જાહેરાત કરી છે.
આ યુવા ટીમની કમાન પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને સોંપી છે. તેની સાથે વેદાંત મુરકરને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બેટિંગ ઓલરાઉન્ડર મુશીર ખાન, ટેલેન્ટેડ બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી અને યુવા સ્પિનર હિમાંશુ સિંહનો સમાવેશ થાય છે.
એક મહિના સુધી ચાલશે આ પ્રવાસ
મુંબઈની ઈમર્જિંગ ટીમ 28 જૂનથી ઈંગ્લેન્ડના એક મહિનાના પ્રવાસ માટે રવાના થશે. આ દરમિયાન ટીમ કુલ પાંચ બે દિવસીય મેચ અને ચાર વનડે રમશે. આ ટીમ ઈંગ્લેન્ડની વિવિધ કાઉન્ટી અને ઈમર્જિંગ ટીમો સામે રમશે. આ ટીમ નોટિંઘમશર, કાઉન્ટીની સંયુક્ત ટીમ (ચેલેન્જર્સ), વોર્સેસ્ટરશર, ગ્લૂસ્ટરશર જેવી ટીમો સામે રમશે.
ખેલાડીઓ માટે છે શાનદાર તક
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અભય હડપે જણાવ્યું હતું કે આ પ્રવાસનો હેતુ ખેલાડીઓની ટેકનિકલ અને રણનીતિ કુશળતામાં સુધારો કરવાનો, માનસિક શક્તિ વધારવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સંસ્કૃતિનો અનુભવ કરાવવાનો છે. આ પ્રવાસ મુંબઈના ખેલાડીઓના કરિયર માટે એક નવી દિશા સાબિત થઈ શકે છે.
આ પ્રવાસ માટે પસંદ કરાયેલા ઘણા ખેલાડીઓ પહેલા જ રણજી ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ટીમની સાથે 6 સભ્યોનો સપોર્ટ સ્ટાફ પણ ઈંગ્લેન્ડ જશે. મુંબઈના ભૂતપૂર્વ ખેલાડી કિરણ પોવાર મુખ્ય કોચની ભૂમિકામાં રહેશે, જ્યારે MCAના કોષાધ્યક્ષ અરમાન મલિક ટીમ મેનેજર રહેશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પર જનારી મુંબઈની ઈમર્જિંગ ટીમ
સૂર્યાંશ શેડગે (કેપ્ટન), વેદાંત મુરકર (વાઈસકેપ્ટન), અંગકૃષ રઘુવંશી, આયુષ વર્તક, આયુશ જિમારે, હિમાંશુ સિંહ, મનન ભટ્ટ, મુશીર ખાન, નિખિલ ગિરી. પ્રગ્નેશ કનપિલ્લેવાર, પ્રતીકકુમાર યાદવ, પ્રેમ દેવકર, પ્રિન્સ બદિયાની, જૈદ પાટણકર, હૃષિકેશ ગોરે, હર્ષલ જાધવ.