- મૂળી તાલુકા હેલ્થની ટીમે રવિવારે સવારે લીયામાં દોડી જઈ સર્વેલન્સની કામગીરી કરી
- ખારાઘોઢાની બાળકીનું આ વાયરસથી મોત થયુ નથી તે વાત સામે આવતા રાહત અનુભવાઈ છે
- ચુડા ગ્રામ્યમાં શંકાસ્પદ કેસ બાદ વધુ એક શંકાસ્પદ કેસ મુળી તાલુકાના લીયા ગામે સામે આવ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રવેશ થઈ ચુકયો છે. જોકે, ખારાઘોઢાની બાળકીનું આ વાયરસથી મોત થયુ નથી તે વાત સામે આવતા રાહત અનુભવાઈ છે.
પરંતુ ચુડા ગ્રામ્યમાં શંકાસ્પદ કેસ બાદ વધુ એક શંકાસ્પદ કેસ મુળી તાલુકાના લીયા ગામે સામે આવ્યો છે. જેમાં 8 વર્ષીય બાળકને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલ રીફર કરાયો છે. અને તેના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલાયા છે.
સમગ્ર રાજયમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને લીધે જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયુ છે. દસાડા તાલુકાના ખારાઘોઢામાં રહેતા શ્રમીક પરીવારની પ વર્ષની બાળકીનું તા. 13 જુલાઈએ સેમ્પલ લેવાયા બાદ જ થોડી કલાકોમાં મોત થયુ હતુ. જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. બીજી તરફ છોટા ઉદેપુરના વતની ખેતમજુર પરીવારના 11 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યો છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. ત્યારે વધુ એક શંકાસ્પદ કેસ શનીવારે મોડી સાંજે સામે આવ્યો હતો. જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલના જણાવાયા મુજબ મુળી તાલુકાના લીયા ગામે રહેતા પરીવારના 8 વર્ષીય બાળકને છેલ્લા ર-3 દિવસથી તાવ, શરદી, માથાનો દુઃખાવો રહેતો હતો. આથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલ લઈ જવાયો છે. આ વાત ધ્યાને આવતા રાજકોટ પીડીયુ સરકારી હોસ્પીટલમાંથી તેના સેમ્પલ લેવાયા છે. અને રીપોર્ટ માટે ગાંધીનગર મોકલાયા છે. જયારે લીયા ગામે મુળી તાલુકા હેલ્થ ઓફીસર ડો. દર્શન પટેલ સહિતની ટીમે સર્વેલન્સની કામગીરી કરી હતી. બાળકના ઘર તેમજ આસપાસના મકાનોમાં તીરાડો બુરવામાં આવી હતી.
જયારે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અને 9 માસથી લઈન 14 વર્ષ સુધીના અન્ય કોઈ બાળકને તાવ, શરદી છે કે કેમ તેની પણ તપાસ કરાઈ હતી. હાલ ચુડા અને મુળી બન્ને તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી શંકાસ્પદ આવેલ કેસોના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. જયારે પાટડી ગામમાં સેન્ડફલાય જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.


