- એમપી માટે નિયુક્ત નિરીક્ષકો આજે કરશે ધારાસભ્યો સાથે બેઠક
- નિરીક્ષકો ધારાસભ્યો સાથે બપોરે લંચ અને સાંજે કરશે બેઠક
- સાંજે ધારાસભ્ય દળના નવા નેતાનું નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા
છત્તીસગઢ બાદ હવે સૌની નજર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રાજકારણ પર ટકેલી છે. મધ્ય પ્રદેશમાં સોમવારે તો રાજસ્થાનમાં મંગળવારે નવા સીએમના નામની જાહેરાત થઈ શકે છે. એમપી માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નિયુક્ત કરવામાં આવેલ હરિયાણાના મુખ્યમંત્રી મનોહલલાલ ખટ્ટર, ઓબીસી મોરચાના પ્રમુખ કે. લક્ષ્મણ અને ભાજપ સચિવ આશા લાકડા સોમવારે 11 વાગે ભોપાલ આવી શકે છે. ત્યારબાદ, ધારાસભ્યો સાથે ચર્ચાનો દૌર શરૂ થશે. તમામને બપોરે 1 વાગે લંચ માટે બોલાવવામાં આવ્યા છે. સાંજે 4 વાગે બેઠક થશે. અને મોડી સાંજ સુધી ધારાસભ્ય દાળના નવા નેતાનો નિર્ણય કરશે. તો, રાજસ્થાનના નિરીક્ષક રક્ષા મંત્રી રાજનાથ સિંઘ, સરોજ પાંડે અને વિનોદ તાવડે મંગળવારે જયપુર પહોંચીને ધારાસભ્યો સાથે વાત કરી શકે.
આ પહેલા રવિવારે પક્ષના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપની જીત માટે શિવરાજને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક પહેલા થયેલ બંને નેતાઓ સાથે થયેલ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
ધારાસભ્યોને આપવામાં આવ્યા નિર્દેશ
ભાજપ તરફથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર દ્વારા ધારાસભ્યોને કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના કોઈપણ ધારાસભ્યએ તેના સહાયક અને સુરક્ષા કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવાની વિનંતી કરવી જોઈએ નહીં. આ ઉપરાંત બેઠક પહેલા મીડિયામાં નિવેદન પણ ન આપવાની સૂચના આપવામાં આવી છે.
કૈલાશ વિજયવર્ગીયએ ભાજપની જીતને ગણાવી મોદી મેજિક
જણાવી દઈએ કે કૈલાશ વિજયવર્ગીય ઈન્દોર-1 બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેઓ પોતે પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તાજેતરના આપેલ એક નિવેદનમાં તેમણે શિવરાજની લાડલી બહેના યોજનાને ભાજપની જીતનો શ્રેય આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ જીત મોદી મેજિક છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં લાડલી બેહના યોજના નહોતી. ત્યાં પણ ભાજપે મોટી જીત મેળવી છે.
શિવરાજને ફરીથી મુખ્યમંત્રી બનાવવા થઈ રહ્યા છે પૂજાપાઠ
મધ્યપ્રદેશના સીએમ કોણ હશે તે સસ્પેન્સ આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ, શિવરાજ સિંહને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવા માટે બેતુલ જિલ્લામાં પૂજા પાઠ સહિતની ધાર્મિક વિધિઓ થઈ રહી છે. જિલ્લાના 130 ગામોમાં કિરાર સમુદાયના લોકોના ઘરે સુંદરકાંડનો પાઠ કરવામાં આવી રહ્યો છે. જે 13મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.


