સિવિલમાં ‘ચાંદીપુરા વોર્ડ’ ખાસ વોર્ડ ઉભો કરાયો
કોરોના બાદ ફરી એકવખત ઘાતક વાયરસે રાજકોટ સહિત ગુજરાતભરમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો છે. ચાંદીપુરા નામનો આ ઘાતક વાયરસ મોટાભાગે માસુમ ભુલકાઓને જ શિકાર બનાવે છે. રાજ્યમાં અત્યાર સુધી 3૫ કેસ નોંધાયા છે અને તેમાથી ૨૧ બાળકોના મોત થયા છે. રાજકોટમાં પણ ચાંદીપુરાના પાંચ કેસ અને આ પાંચેય કેસમાં બાળકોના મોત થયાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને મહાનગરપાલિકા અને કલેકટર તંત્રના સંકલનથી આગોતરો એકશન પ્લાન બનાવવામા આવ્યો છે. સેન્ડ ફ્લાઇ નામના આ જીવલેણ રોગચાળાના સકંજામાં આવતા દર્દીઓને તાત્કાલિક આધુનિક સારવાર મળી રહે એ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૭ બેડનો એક આઇસોલેટેડ વોર્ડ તાબડતોબ શરૂ કરી દેવામા આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં ચાંદીપુરાના પાંચ કેસ આવ્યા હતા. રાજકોટ શહેરના નથી પરંતુ જિલ્લાના ઉપલેટા, જેતપુર, પડધરી ઉપરાંત મોરબીથી આવ્યા હતા. આ તમામ પાંચેય દર્દીઓ ૨ વર્ષથી લઇને ૧3 વર્ષ સુધીના છે. તમામ પાંચેયય દર્દીઓના મોત થઇ ચુક્યા છે. મૃતક બાળદર્દીઓમાં ચાંદીપુરા વાયરસના જ લક્ષણ જોવા મળ્યા છે. હાલ તો શંકાસ્પદ કેસ ગણવામા આવી રહ્યા છે. તેમના સેમ્પલ પૂના મોકલાયા છે. ત્યાથી રિપોર્ટ આવ્યા બાદ સતાવાર પૃષ્ટિ મળશે.
હાલ તો ચાંદીપુરા વાયરસથી જ પાંચેય બાળદર્દીઓના મોત થયાનુ અનુમાન છે અને તેના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થઇ ગયુ છે. મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. કલેકટર પ્રભવ જોષીએ સિવિલના આર.એમ.ઓ. ડો.હર્ષદ એમ. દુસરાને સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત હાલની વ્યવસ્થા અંગેની જાણકારી મેળવતા સિવિલમાં ખાસ ચાંદીપુરા વાયરસના કેસ માટે ૭ બેડનો એક આઇસોલેટેડ વોર્ડ ઉભો કરવામા આવ્યો હોવાનું જણાવ્યુ હતુ.
૧૦૦ બેડનું અલગથી આઇસોલેટેડ વોર્ડ પણ છે તૈયાર
કોરોના કાળમાં આરોગ્ય તંત્ર ઉંઘતુ પકડાઇ ગયુ હતુ. એકપણ મોરચે સફળ રહ્યુ ન હતુ. ન હતુ ઓક્સીજનની વ્યવસ્થા, કે ન હતી વેન્ટીલેટરની પર્યાપ્ત સુવિધા, ન હતા કોરોના બેડ. આ તમામમાંથી ધડો લાડવો લઇને ચાંદીપુરા વાયરસના જીવલેણ વાયરાને લઇને સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા સ્ટેન્ડ-ટુ રાખવામા આવી છે. હાલ ૭ વોર્ડનો આઇસોલેટેડ વોર્ડ ચાલુ કરી દેવામા આવ્યો છે. આ ઉપરાંત ઇમરજન્સી પરિસ્થિતિ માટે બનાવેલો ૧૦૦ બેડનો આઇસોલેટેડ વોર્ડ પણ તૈયાર છે તેમ સિવિલના આર.એમ.ઓ. હર્ષદ એમ.દુસરાનો દાવો છે.